નવી દિલ્હીઃ પંજાબ-હરિયાણામાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા અંગે છેલ્લા 20 દિવસથી ચાલી રહેતા ખેડૂત આંદોલનથી દેશના અર્તતંત્રને દરરોજ મોટુ નુકસાન થઇ રહ્યુ છે. ઔદ્યોગિક સંગઠન એસોચેમે આજે મંગળવારે કહ્યુ કે, ખેડૂતોના આંદોલનથી પંજાબ, હરિયાણા, હિમાચક પ્રદેશ, જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને ગંભીર ફટકો પડી રહ્યો છે. એસોચેમ એ કેન્દ્ર અને ખેડૂત સંગઠનોને નવા કૃષિ કાયદાને લઇને ચાલી રહેલા આંદોલનનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવવાનો આગ્રહ કર્યો છે.
ઔદ્યોગિક સંગઠનના વ્યાપક અંદાજ મુજબ ખેડૂતોના આંદોલનના કારણે આ ક્ષેત્રની સપ્લાય ચેઇન અને ટ્રાન્સપોર્ટેશન ગંભીર રીતે પ્રભાવિત થઇ રહ્યા છે અને દૈનિક 3000થી 3500 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યુ છે.
એસોચેમના અધ્યક્ષ નિરંજન હીરાનંદાનીએ કહ્યુ કે, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાનું સામુહિક કદ લગભગ 18લાખ કરોડ રૂપિયાનું છે. ખેડૂતોના વિરોધ-પ્રદેશ, રોડ-રસ્તા પરના ટોલ પ્લાઝા અને રેલવે સેવાઓ બંધ હોવાથી આર્થિક ગતિવિધિઓ અટકી ગઇ છે. હીરાનંદાનીએ કહ્યુ કે, કાપડ-ગાર્મેન્ટ્સ, વાહનોના પાર્ટ્સ, રમતગમતના સાધનો જેવા ઉદ્યોગો નાતાલની પહેલા પોતાના નિકાસ ઓર્ડર પૂરા કરી શકશે નહીં જેના પગલે વૈશ્વિક કંપનીઓ સામે તેની છબી ખરાબ થવાની આશંકા છે.
આની પહેલા કોન્ફેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) સોમવારે કહ્યુ કે, ખેડૂત આંદોલનના લીધે પુરવઠાની શ્રૃખલાંમાં મોટો વિક્ષેપ પડ્યો છે. આગામી દિવસોમાં ખેડૂતોના આ વિરોધ પ્રદર્શનની અર્થતંત્ર પર મોટી પ્રતિકુળ અસર જોવા મળી શકે છે. આ ખેડૂત આંદોલનથી દેશની રિકવરીની ગતિ પણ પ્રભાવિતની સાથે સાથે ધીમી પડી શકે છે.