કેન્દ્ર સરકાર સામે ખેડૂત કાયદો રદ કરવાની માંગ સાથે આંદોલન ચલાવી રહેલા ખેડૂતો એ એલાન મુજબ જ ટોલ પ્લાઝા ફ્રી કરવાનું શરૂ કરી દીધુ છે અને તેની શરૂઆત અંબાલાના શંભૂ ટોલ પ્લાઝા પરથી કરતા હવે અહીં વાહન ટોલ ચૂકવ્યા વગર જ પસાર થઈ રહ્યાં છે તેજ રીતે કરનાલનો બસ્તારા ટોલ પ્લાઝા પણ ફ્રી કરી દેવાયો છે.ખેડૂતોના ટોલ ફ્રી કરવાની જહેરાત બાદ ફરીદાબાદ પોલીસ દિલ્હી-હરિયાણાના રસ્તામાં આવતા 5 ટોલ પ્લાઝા પર 3500 પોલીસકર્મીઓ ગોઠવી દીધા છે અને અહીંના બદરપુર, ગુરુગ્રામ-ફરીદાબાદ, કુંડલી-ગાઝિયાબાદ-પલવલ, પાલી ક્રશન ઝોન અને ધૌન ટોલ પ્લાઝા પર પ્રદર્શનકારીઓ પર વોચ રાખવામાં આવી રહી છે.
દરમ્યાન આંદોલનમાં જોડાવા માટે પંજાબ માંથી વધુ 50 હજાર ખેડૂતો દિલ્હી માટે રવાના થયા છે જેઓ આજે સાંજ સુધીમાં કુંડલી બોર્ડર પહોંચશે. ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા આ લોકો અમૃતસર, તરનતારન, ગુરદાસપુર, જલંધર, કપૂરથલા અને મોગા જિલ્લાના છે.
નોંધનીય છે કે આ આંદોલન દરમ્યાન અત્યારસુધીમાં 11 ખેડૂતનાં મોત થઈ ચૂક્યા છે.
શિયાળા અને કોરોના છતાં ખેડૂત 17 દિવસથી દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે. ટીકરી અને સિંધુ બોર્ડર પર એક એક કરીને અત્યારસુધી 11 ખેડૂતનાં મોત થઈ ચૂક્યા છે જેઓ પેટ કે છાતીમાં દુખાવા ની ફરિયાદ કરતા હતા. શિયાળામાં આકાશ નીચે બેઠેલા ખેડૂતો સતત બીમાર પડી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
