રાજસ્થાનમાં સર્જાયેલા પોલિટિકલ ડ્રામા વચ્ચેહાઇકમાન્ડ મોટો નિર્ણય લઈ શકે છે, અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષપદની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે. ગત મોડી સાંજ સુધી 10 જનપથ ખાતે બેઠકોમાં ચર્ચાનો દૌર શરૂ રહ્યા બાદ સોનિયા ગાંધીએ રાજસ્થાન મામલે ખડગે અને માકન પાસે લેખિત રિપોર્ટ માગ્યો છે જે આજે મંગળવાર 27 તારીખે સવારે આપવામાં આવશે, તેમ મનાય છે.
બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે ગેહલોત કોંગ્રેસ અઘ્યક્ષની રેસમાંથી બહાર છે. અન્ય નેતાઓ પણ બહાર થઈ જશે. આ નેતાઓ 30 સપ્ટેમ્બર સુધીમાં નામાંકન ભરશે.
કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોના જણાવ્યા અનુસાર, મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કે.સી. વેણુગોપાલના નામ અધ્યક્ષપદ માટે સૌથી વધારે ચર્ચાઈ રહ્યા છે. સીડબલ્યૂસીના સદસ્ય અને પાર્ટીના એક નેતાએ એમ પણ કહ્યું કે, ગેહલોતે જે રીતે વ્યવહાર કર્યો તે હાઈકમાન્ડ સાથે સારું નથી કર્યું. તેમણે સિનિયર લિડરશિપની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
આમ, કોંગ્રેસમાં સતત કઈ ને કઈ વિવાદ ઊભો થતો હોય હવે તેની અસર ગુજરાતની વિધાનસભા ની ચુંટણીમાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ચૂંટણી જીતવા આવેલા ગેહલોત પોતેજ વિવાદમાં આવતા હવે ગુજરાત માં તેઓએ બેઠકો કરીને જે રણનીતિ બનાવી હતી તેનું શું થશે તે મામલે અનેક અટકળો ઉઠવા પામી છે.