ઉત્તરાખંડમાં ગુજરાતના 21 યાત્રાળુઓ ભરેલી બસમાં હરિદ્ધારમાં અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બસ જ્યારે યમુનોત્રી તરફ જઈ રહી હતી તે વખતે કટાપથ્થર પુલ પાસે જ્યારે બસ પહોંચી ત્યારે અચાનક શોર્ટસર્કિટથી બસમાં આગ લાગી હતી. બસમાં ધુમાડો જોતાં યાત્રાળુઓએ બસ અટકાવી હતી અને ઝડપથી તમામ બસની બહાર નીકળી ગયા હતા જેથી મોટી દુર્ઘટના થતા ટળી છે.
સદભાગ્યે તમામ યાત્રીઓ સલામત બહાર નીકળી ગયા પછી બસ આગની લપેટમાં આવી હતી. યાત્રાળુઓ અને સ્થાનિક લોકોની સૂચના પર ફાયર વિભાગ તથા ડાકપથ્થર પોલીસને જાણ કરવામાં આવી હતી.
તેમણે ઘટનાસ્થળ પર તુરંત આવી અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવી હતો. પરંતુ બસની આગ એટલી વિકરાળ હતી કે બસમાં રાખેલો યાત્રાળુઓનો સામાન પણ બળીને રાખ થઈ ગયો હતો. ડાકપથ્થર પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અર્જુનસિંહ ગુસાંઇએ જણાવ્યું હતું કે યાત્રીઓનો સામાન બળી ગયો છે પરંતુ સદનસીબ છે કે બધા યાત્રીઓ સુરક્ષિત બચી ગયા છે.