ગુજરાત ના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કેવડિયા ને ડાયરેક્ટ ટ્રેન સેવા સાથે સાંકળી લેવા રેલવે સજ્જ બન્યું છે અને આ સ્થળે પ્રવાસીઓને પહોંચવા માટે સરળતા રહે એ માટે રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેન શરૂ કરાવવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીથી ગુજરાતના કેવડિયા સુધી હવે એક સ્પેશિયલ ટ્રેન દોડશે. આ ઉપરાંત મુંબઈ અને રીવાથી પણ કેવડિયા સુધી ટ્રેન દોડાવવામાં આવશે ઉપરાંત વડોદરાના પ્રતાપનગરથી કેવડિયા સુધી મેમુ ટ્રેન ચલાવવામાં આવશે. વર્તમાન સમયમાં આ તમામ ટ્રેનોને રેલવે વિભાગ દ્વારા લીલી ઝંડી મળતા આગામી વર્ષ સુધીમાં તમામ ટ્રેન કાર્યરત થઈ જશે. હાલ માં વડોદરાથી કેવડિયા સુધી રેલવે-ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે, જે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શકયતા છે. ત્યાર બાદ પ્રવાસીઓ સીધા જ વડોદરાથી કેવેડિયા જઈ શકશે. હાલમાં જે ટ્રેન વડોદરા આવે છે એને કેવડિયા સુધી લઈ જવાની મંજૂરી રેલવે વિભાગે આપી છે, જેમાં વારાણસીથી વડોદરા વચ્ચે મહામના એક્સપ્રેસ, રીવાથી વડોદરા અને મુંબઈથી વડોદરાની વચ્ચે એક્સપ્રેસ ટ્રેન હવે કેવડિયા સુધી દોડાવવામાં આવશે. જ્યારે પ્રતાપનગરથી રોજ સવાર અને સાંજે બે મેમુ ટ્રેન ચલાવવામાં આવે છે. આમ કેવડિયા ને પ્રવાસન સ્થળ તરીકે ડેવલપ કરવા સી-પ્લેન,બોટ તેમજ ટ્રેન અને બાય રોડ તમામ રીતે કામકાજ શરૂ થયું છે.
