(દિગ્વિજય સિંહ ઝાલા)
વિકાસ દુબે ની નાટ્યાત્મક ધરપકડ અને માત્ર 24 કલાક માં થયેલું એન્કાઉન્ટર દેશભરમાં ભારે ચર્ચા જગાવી રહ્યું છે અને એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે કેટલાક નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ગેંગસ્ટર વિકાસ ને ખુબજ નજીક ના સબંધો હતા અને જો ઇન્કવાઇરી નીકળે તો કેટલાય રાઝ બહાર આવે તેમ હોય વિકાસ દુબે નો કેસ હાઈ પ્રોફાઇલ બની ગયો હતો 8 પોલીસ કર્મીઓ ની નિર્મમ હત્યા ના બનાવ બાદ માત્ર એક જ સપ્તાહમાં વિકાસ દુબેના 5 સાથીઓ ના એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યા છે અને તેઓના સરદાર વિકાસ દુબેનું પણ લગભગ નક્કી જ મનાતું હતું અને તેણે ઉજ્જૈનમાં જાતે જ સરન્ડર કર્યું અને શુક્રવારે સવારે કાનપુરથી માત્ર 17 કિમી દૂર જ તેનું પણ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યુ ત્યારે ખાસ નવાઈ લાગી નહિ પરંતુ જે રીતે વિકાસ દુબેની ધરપકડ સામે સવાલ ઉભા થયા હતા, તે રીતે તેના એન્કાઉન્ટર સામે પણ સવાલ ઉભા થયા છે, વાત એક અપરાધી ની છે પણ તેની સંડોવણી જે રીતે અનેક સફેદપોશ લોકો સાથે હતી તેનો રાઝ હવે કાયમ માટે દફન થઈ ચૂક્યો છે.
જોકે, એક સસ્પેન્સ ફિલ્મ ની જેમ કેટલાક સવાલો ઉઠે છે તેમાં ખાસ કરીને વાત આરોપી ને ચાર્ટડ પ્લેન માં લઇ જવાની હતી તો પછી તેને અચાનક બાય રોડ કેમ લઈ જવાયો?
પહેલાં ચર્ચા હતી કે વિકાસને ચાર્ટડ પ્લેન દ્વારા ઉજ્જૈનથી ઈન્દોર અને ત્યાંથી યુપી લાવવામાં આવશે. પરંતુ ગુરુવારે સાંજે અચાનક કહેવામાં આવ્યું કે તેને બાય રોડ જ લાવવામાં આવશે અને તેને લેવા માટે યુપી થી STFની ટીમ આવી રહી છે.ઉપરાંત એક નોંધનીય બાબત એ છે કે વિકાસને જ્યારે ઉજજેન થી ઝાંસી સુધી એમપી પોલીસ લઈ ગઈ અને યુપી પોલીસના હવાલે કર્યો ત્યારે ત્યાં 10 ગાડીઓ હાજર હતી. તેમાં એક ગાડીમાં વિકાસને બેસાડવામાં આવ્યો. બાકીની ગાડીઓ આગળ-પાછળ હતી. ભારે વરસાદ વચ્ચે આ સંપૂર્ણ કાફલામાં એક્સિડન્ટ માત્ર તે ગાડીનો થયો જેમાં વિકાસ બેઠેલો હતો. પોલીસની બાકી કોઈ ગાડી ને કઈ થયું નથી કે જે તમામ ગાડી આગળ પાછળ હતી. આ બધા વચ્ચે આરોપ છે કે, કાફલા સાથે જતી મીડિયા ગાડીઓને રોકવા માટે વચ્ચે અચાનક ચેક પોસ્ટ લગાવી દેવામાં આવી હતી. આ કારણથી મીડિયાની ગાડીઓ પાછળ રહી ગઈ હતી અને તે સમયગાળા માં જ એન્કાઉન્ટર ની ઘટના બની હતી અને પત્રકારો પછી થી જાણવા મળ્યું કે, વિકાસ દુબે જે ગાડીમાં હતો તે પલટી મારી ગઈ છે અને તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. એન્કાઉન્ટર પછીઘટના સ્થળે પહોંચેલી પોલીસે તે વાતનો જવાબ નથી આપ્યો કે શું મીડિયાને રોકવા માટે જ અચાનક ચેકિંગ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે મોટો સવાલ છે એ છે કે, જેના પર 60થી વધારે કેસ હોય, જેણે 8 પોલીસની હત્યા કરી હોય તેવા ખૂંખાર ગેંગસ્ટર ને શા માટે તેને ગાડીમાં હાથકડી નહોતી પહેરાવી? કારણકે ઘટના પછી એવું કહેવામાં આવ્યું છે કે, એક્સિડન્ટ પછી તુરંત વિકાસે પિસ્તોલ છીનવી અને ભાગવાનો પ્રયત્ન કર્યો અને તેણે STFની ટીમ પર ગોળી પણ ચલાવી અને તેની જવાબી કાર્યવાહીમાં તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું
બીજું કે યુપીના પૂર્વ ડીજીપી વિક્રમ સિંહે જણાવ્યું કે, વિકાસની પૂછપરછ દરમ્યાન ઘણાં મોટા નામો સામે આવવાની શકયતા છે જેમાં IAS, IPS અને નેતાઓના નામ પણ સામે આવી શકે છે. આમ અનેક વિવાદો અને સવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરેલું એક ટ્વિટ ભારે ચર્ચાસ્પદ બન્યું છે કારણ કે તેમણે લખ્યું છે કે- હકીકતમાં કાર નથી પલટી, રહસ્યો ખુલતા સરકાર પલટતા બચાવવામાં આવી છે.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજ્ય સિંહે કહ્યું- જેની શંકા હતી, તે જ થયું. વિકાસ દુબેના કયા કયા રાજકીય લોકો, પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક હતો, હવે તે કોઈ માહિતી મળી નહીં શકે. દરેક એન્કાઉન્ટરની પેટર્ન એક જેવી જ કેમ?
જોકે હવે પછી ના ઘટનાક્રમમાં ખ્યાલ આવશે કે સુપ્રીમ કોર્ટે 2015માં પોલીસ એન્કાઉન્ટરના સંબંધમાં દિશા નિર્દેશ જાહેર કર્યા હતા. દરેક એન્કાઉન્ટરની તપાસ જરૂરી છે. તપાસ ખતમ ન થાય ત્યાં સુધી તેમાં સામેલ પોલીસકર્મીઓને પ્રમોશન અથવા વીરતા પુરસ્કાર ન મળી શકે.
એન્કાઉન્ટર સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. પહેલું જેમાં કોઈ આરોપી પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. બીજુ જ્યારે પોલીસ કોઈ ગુનાખોરને પકડવા જાય છે અને તે સામે હુમલો કરી દે છે.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે,CRPCની કલમ 176 હેઠળ દરેક એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ જરૂરી છે. પોલીસને દરેક અથડામણ પછી ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને ગોળીઓનો હિસાબ આપવાનો હોય છે.
પોલીસને એન્કાઉન્ટરનો અધિકાર નથી. માત્ર પોતાની સુરક્ષાનો અધિકાર છે. ગુનાખોરથી પોતાનો જીવ બચાવવા માટે પોલીસકર્મી ગોળી ચલાવી શકે છે અને તેમા કોઈ ગુનાખોર મરી જાય તો તેને સાબિત કરવું પણ જરૂરી છે.
આ બધા વચ્ચે એક મોટી વાત એ છે કે શામાટે વિકાસ દુબે ચાર રાજ્યો પાર કરી 1250 કિમીનું અંતર કાપીને ઉજ્જૈન પહોંચ્યો હતો આ વાત એક મોટુ રહસ્ય છે અને યોગાનુયોગ એક દિવસ પહેલાં એટલે કે બુધવારે બપોરે ઉજ્જૈનના મહાકાલ પોલીસ સ્ટેશન પ્રભારી અને ચોકી પ્રભારીની ટ્રાન્સફર થઈ હતી અને રાત્રે કલેક્ટર આશીષ સિંહ અને એસપી મનોજ સિંહ મહાકાલ મંદિર પહોંચ્યા હતા. બંનેનો દાવો છે કે, તેઓ એક મીટિંગ માટે ગયા હતા.
આમ ઘણીબધી વાતો વચ્ચે રહસ્ય ના તાણાવાણા સર્જાયા છે અને મોટા માથાઓ અને કેટલાક અધિકારીઓ ની મિલીભગત ની વાતો હવે વિકાસ દુબે ના મોત સાથેજ દફન થઈ ગઈ છે.