ગોવામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગંબર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. વિપક્ષના નેતા માઈકલ લોબોએ આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળને ભાજપમાં ભેળવી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી આ ધારાસભ્યો મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને પણ મળ્યા હતા.
કુલ 40 સીટો પૈકી ગોવા વિધાનસભામાં ભાજપના 20 ધારાસભ્યો હતા,જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક પાસે બે અને ગોવા ફોરવર્ડ પાર્ટી પાસે એક સીટ છે. જ્યારે અન્યના ખાતામાં છ બેઠકો છે. કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાસે વિધાનસભામાં માત્ર ત્રણ બેઠકો બચી છે. આ સાથે જ ભાજપની સંખ્યા વધીને 28 થઈ ગઈ છે.
દિગંબર કામત, માઈકલ લોબો, ડી લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાયક, સંકલ્પ અમોનકર, એલેક્સો સિક્વેરા અને રૂડોલ્ફ ફર્નાન્ડિસ એવા ધારાસભ્યોમાં સામેલ છે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.