કાનપુરઃ તમને એવુ કહેવામાં આવેલ કે રોડ પર લારી કે રેંકડી લગાવી ચા- સમોસા-કચોરી અને પાન-મસાલા વેચનાર વ્યક્તિ કરોડપતિ છે તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં આવા કેસો સામે આવ્યા છે જ્યાં કચોરી-સમોસાની વેચનાર કે ગલીના નાકે પાન-મસાલા વેચનાર વ્યક્તિ પાસેથી આવકવેરા વિભાગે કરોડો રૂપિયાની સંપત્તિ ઝડપી પાડી છે.
ભંગાર વેચનાર લોકોને પણ ગરીબ ન માનશો, તેમની પસેથી પણ કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે. આવકવેરા વિભાગે બિગ ડેટા સોફ્ટવેર અને જીએસટી રજિસ્ટ્રેશનની તપાસમાં આવા 256 ગરીબ કરોડપતિ ઝડપી પાડ્યા છે.
આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે, લારી કે રેંકડી લગાવનાર અને ભંગાર ખરીદનાર-વેચનાર વ્યક્તિઓ જીએસટી ચૂકવતા નથી. તેઓ આઇટી રિટર્ન પણ ફાઇલ કરતા નથી પરંતુ કરોડપતિ છે. તપાસમાં એવા લોકોની સંપત્તિઓ કાનપુરના આર્યનગર, સ્વરૂપ નગર, બિરહાના રોડ, હૂલાગંજ, પીરોડ, ગુમટી જેવા પોશ વિસ્તારોમાં મળી આવી છે.
લારી ઉભી રાખવા ચૂકવતો 1 લાખ રૂપિયાનું ભાડું
તપાસમાં એવી ચોંકવનાર માહિતી પણ સામે આવી છે કે માલરોડ પર પ્રખ્યાત ખસ્તા કચોરી વેચનાર વ્યક્તિની ઘણી લારીઓ ચાલે છે. તે વ્યક્તિ અલગ- અલગ સ્થળે લારી ઉભી રાખવા માટે દર મહિને 1 લાખ રૂપિયાનું ભાડુ ચૂકવે છે. ઘણા ભંગારીઓએ પણ કરોડો રૂપિયાની સંપત્તિ વસાવી લીધી છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં રોડ ઉપર સમોસા-કચોરી-ચા અને પાન-મસાલાની દુકાનો ચલાવતો એક વ્યક્તિ પાસે 375 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું બહાર આવ્યુ છે. આવકવેરા વિભાગ દ્વારા આ કેસમાં તપાસ ચાલી રહી છે. આ કરોડપતિ દુકાનદાર છેલ્લા ઘણા વર્ષો નાસ્તાની દુકાન ચલાવે છે તે પણ એફએસએસએઆઇ સર્ટિફિકેટ વગર. દર મહિને લાખો રૂપિયાની કમાણી હોવા છતાં આ વેપારીએ ક્યારેય એક પણ રૂપિયાનો ટેક્સ ભર્યો નથી. આ કરોડપતિ નાસ્તાની દુકાન ચલાવનાર વ્યક્તિના નામે કાનુપરમાં સંખ્યાબંધ મકાનો ઉપરાંત ઘણી ખેતીની જમીન છે.