ભારત અને ચાઈના બોર્ડર ઉપર બંને પક્ષે હાલ વાતાવરણ તંગ છે ત્યારે ચીન દ્વારા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ને જણાવાયુ છે કે લદાખ સરહદે ભારતીય સેના દ્વારા બે ટેકરીઓ ઉપર કબ્જો કરવામાં આવ્યો હતો પણ ચીની સેના એ માઇક્રોવેવ હથિયારો નો ઉપર કરી ભારતીય સેના ના જવાનો ને તે ટેકરીઓ ઉપર થી હઠાવી દીધા હતા અને ચીને ફરી તે ટેકરીઓ ઉપર કબ્જો કરી લીધો છે.
માઈક્રોવેવ ઈલેક્ટ્રો મેગ્નેટિક રેડિએશનનું એક સ્વરૂપ છે. તેનો ઉપયોગ ભોજન બનાવવા અને રડાર સિસ્ટમમાં કરવામાં આવે છે. માનવામાં આવે છે કે માઈક્રોવેવ શરીરના ભાગોને ગરમ કરી શકે છે. કાન મારફતે માથામાં એક શોકવેવનું સર્જન કરે છે. આ ટેકનોલોજી ધરાવતા હથિયારોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે અનેક દેશ સંશોધન કરી રહ્યા છે.
ધ ટાઈમ્સે દાવો કર્યો છે કે ભારતીય સેના સામે ચીન દ્વારા કરવામાં આવેલ માઈક્રોવેવ હથિયારનો ઉપયોગ પ્રથમ પ્રયોગ હોઈ શકે છે. માઈક્રોવેવ હથિયારો પર છેલ્લા કેટલાય વખત થી સંશોધન ચાલી રહ્યું છે. આ પ્રકારના હથિયારોની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઓછા ઘાતક માનવામાં આવે છે. તેનાથી ગંભીર ઈજા થવાના કે મૃત્યુ થવાનું જોખમ રહેતુ નથી.
આ દાવો ચીન ની રેનમિન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના એસોસિએટ ડીન જિન કેનરોંગે એક ઓનલાઈન સેમિનારમાં કર્યો છે. આ અંગેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જિન કહી રહ્યા છે કે ભારતીય સેના એ બે શિખર પર કબ્જો કરી લીધો હતો. વ્યૂહાત્મક રીતે આ શિખર ખૂબ જ મહત્વના હતા. તેને લીધે વોસ્ટર્ન થિએટર કમાંડર પર ખૂબ દબાણ હતું. તેમને કોઈ પણ સંજોગોમાં આ શિખરો પાછા મેળવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે એવા પણ આદેશ આપવામાં આવ્યા હતા કે કોઈ પણ સંજોગોમાં ફાયરિંગ કરવામાં ન આવે. આ સંજોગોમાં કામ ખૂબ જ મુશ્કેલ હતું.
ચીનના પ્રોફેસરે કહ્યું કે આ સ્થિતિમાં આપણા સૈનિકોએ એક ઉત્તમ વિચાર રજૂ કર્યો. તેમણે અન્ય બટાલિયનો સાથે વાતચીત કરી અને મુશ્કેલ સમસ્યાનો ઉકેલ મેળવ્યો. તેમણે માઈક્રોવેવ હથિયારનો ઉપયોગ કર્યો. તેમણે શિખર પર નીચેથી હુમલો કર્યો અને તેમણે માઈક્રોવેવ ઓવનમાં બદલી નાંખ્યા. ફક્ત 15 મિનિટમાં જ ભારતીય સૈનિકો ઉલટી કરવા લાગ્યા તેઓ ત્યાં ઉભા પણ રહી શકતા ન હતા. છેવટે તેઓ આ શિખર છોડીને જતા રહ્યા. આ રીતે આપણે બે શિખર પાછા મેળવી લીધા. તેને લીધે કોઈ જ પ્રકારની સમજૂતીનું ઉલ્લંઘન થયું નથી.
આ ઘટના અંગે કોઈએ વાત કરી નથી
બ્રિટનના અખબાર ધ ટાઈમ્સે જિનને ટાંકી અહેવાલમાં લખ્યુ છે કે આ ઘટનાનો વધુ પ્રચાર કરવામાં આવ્યો નથી. કારણ કે અમે આ સમસ્યાનો ખૂબ જ સારી રીતે ઉકેલ મેળવી લીધો હતો. ભારતે પણ મુદ્દે વધુ વાત કરી નથી. કારણ કે તે ખૂબ જ ખરાબ રીતે હારી ગયા હતા. ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે આ હુમલો 29મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો હતો. આમ ચાઈના દ્વારા ભારતીય સેના ને હરાવી બે શિખર કબ્જે કરાયા હોવાનો દાવો કરાતા ફરી એકવાર આ બાબત ઇન્ટરનેશનલ કક્ષાએ ભારે ચર્ચાસ્પદ બની છે.
