નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેર બાદ લોકડાઉન અને પ્રતિબંધોમાં આપેલી છુટછાટ હવે ભારે પડી રહી છે. ભારતમાં 55 દિવસ બાદ પહેલીવાર સાજા થનાર દર્દીઓની તુલનાએ નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી ગઇ છે. ભારતમાં 8 જુલાઇ, 2021 ગુરુવારના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના સંક્રમણના 45,892 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 44,291 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 55 દિવસ બાદ આ પહેલી ઘટના છે જ્યારે કોરોનાના કેસોની સંખ્યા રિકવર થના દર્દીઓની તુલને વધારે રહી છે.
ભારતમાં એક દિવસમાં કોરોના સંક્રમણના 45,892 નવા કેસ સામે આવ્યા હતા દેશમાં હવે સંક્રમિતોની કૂલ સખ્યા 3,07,09,557 થઇ ગઇ છે. તો બીજી બાજુ દેશમાં હાલ કોરોના સંક્રમિત 4,60,704 લોકોની સારવાર ચાલી રહી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારીકરાયેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના સંક્રમણથી મરનાર લોકોની સંખ્યા વધી 4,05,028 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 784 કેસોનો વદારો થયો છે. દેશનો કોરોના રિકવરી રેટ 97.18 ટકા થયો છે.
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણથી જે 817 લોકોના મોત થયા છે તેમાં મહારાષ્ટ્રના 326, કેરલના 148 અને કર્ણાટકના 75 દર્દી છે. મંત્રાલયના આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં કોરોનાથી મરનાર દર્દીઓની સંખ્યા વધીને 4,05,028 થઇ છે. જેમાં મહારાષ્ટ્રના 1,23,857, કર્ણાટકના 35,601, તમિલનાડુના 33,196, દિલ્હીના 25,005, ઉત્તરપ્રદેશના 22,666, પશ્ચિમ બંગાળના 17,850 અને પંજાબના 16,141 લોકોએ જીવ ગુમાવ્યો છે.