જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર કુપવાડા એન્કાઉન્ટરમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઘટનાસ્થળેથી આપત્તિજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. રવિવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે.
ઘટનાસ્થળેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે કુપવાડાના લોલાબ વિસ્તારમાં એક આતંકી શૌકત અહેમદ શેખની ધરપકડ કરવામાં આવી છે. તેના કહેવા પર આતંકીઓના ઠેકાણાની શોધ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ ઘેરાબંધી કડક થતી જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ રાખ્યો.
સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક પછી એક બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યો ગયેલો એક આતંકવાદી લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની આતંકવાદી હતો. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીને પણ ઘેરી લેવામાં આવ્યો હતો, તે પણ આતંકવાદી ઠેકાણા પર પહોંચી ગયો હતો અને તેના સહયોગીઓ સાથે ગોળીબાર શરૂ કર્યો હતો. જોકે, સોમવારે સવારે સુરક્ષા દળોએ વધુ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જેમાં આતંકી શૌકત અહેમદ શેખ પણ સામેલ છે.
આ સિવાય રવિવારે જ કુલગામ જિલ્લાના દમહાલ હાંજીપોરા વિસ્તારના ગુર્જરપોરા ગામમાં આતંકવાદીઓની હાજરીની બાતમી પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બે આતંકીઓ માર્યા ગયા હતા. તેમની ઓળખ કુલગામના ઝાકિર પદર અને શ્રીનગરના હરીશ શરીફ તરીકે થઈ છે.
પિસ્તોલ-ગ્રેનેડ સાથે ત્રણ અલ-બદર આતંકવાદીઓની ધરપકડ
બીજી તરફ, સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરમાં અલ-બદરના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરીને આતંકી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. તેમની પાસેથી પિસ્તોલ, હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાંગમ ક્રોસિંગ પાસે પોલીસ, સીઆરપીએફ અને સેના નાકા લગાવીને તપાસ કરી રહી છે. આ દરમિયાન ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી એક પિસ્તોલ, મેગેઝિન, આઠ ગોળીઓ અને બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.
તેમની ઓળખ ક્રાલગુંડ ખાયપોરાના રહેવાસી નજીમ અહેમદ ભટ, સિરાજદીન ખાન અને આદિલ ગુલ તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન ત્રણેએ જણાવ્યું કે તેઓ આતંકવાદી તનઝીમ અલ-બદર માટે કામ કરતા હતા. તેને પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ એ આ વિસ્તારમાં આતંકી હુમલાનું કામ સોંપ્યું છે.