જમ્મુ-કાશ્મીરમાં શિયાળા ની શરૂઆત બાદ પ્રથમવાર હિમવર્ષા થઈ છે. શ્રીનગરમાં ૩ ઇંચ, અહરબાલમાં ૧૦, મંઝગામમાં ૮, ડીએસપોરામાં પાંચ, કુલગામમાં ૪, કુંદમાં ૮, બારામૂલા અને કુપવાડામાં પાંચ-પાંચ ઇંચ બરફ પડયો છે અને જમ્મુ-કાશ્મીરના હિલ સ્ટેશનોમાં બે થી ૩ ફૂટ જેટલી હિમવર્ષા થઈ હતી. ભારે હિમવર્ષાના કારણે જવાહર ટનલ ખાતે ભારે બરફ જમા થઈ જતાં જમ્મુ-શ્રીનગર હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લદ્દાખ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, કારગિલ અને લેહમાં વ્યાપક વરસાદ અને હિમવર્ષા નોંધાયાં હતાં. હવામાન વિભાગે સંખ્યાબંધ સ્થળે હિમપ્રપાત સર્જાવાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા અને વરસાદ ચાલુ છે. ઉત્તરાખંડમાં બદરીનાથનું મંદિર બરફ થી ઢંકાઈ ગયું હતું.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણાના સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદ પડયે હતો. રાજસ્થાનના અલવરમાં તાપમાનનો પારો ૬ ડિગ્રી ગગડી ગયો હતો. શનિવારથી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં તાપમાનનો પારો સામાન્યથી પાંચ ડિગ્રી સુધી ગગડી ગયો હતો. મેદાની વિસ્તારોમાં સૌથી ઠંડું મધ્યપ્રદેશનું પંચમઢી રહ્યું હતું. અહીં લઘુતમ તાપમાન ૬ ડિગ્રી નોંધાયું હતું. હિમાલય તરફ થી આવતા તીવ્ર ઠંડા પવનો ને લઈ મેદાની વિસ્તારો પણ ઠંડાગાર થઈ ગયા છે, આમ હવે દેશ ના અન્ય ભાગો માં તીવ્ર ઠંડી ની શરૂઆત થઈ ચૂકી છે.
