ભારત માં કોરોના એ કાળો કેર વર્તાવી દીધો છે અને સેંકડો લોકો ના મોત થઈ ચૂક્યા છે ત્યારે ઝારખંડ માં બનેલી એક કરૂણ ઘટના માં કોરોના ના ખપ્પરમાં આખો પરિવાર આવી જતા હાહાકાર મચી ગયો છે આ પરિવારના એક પછી એક 6 સભ્યોના મોત થઇ ચૂકયા છે. ચોંકાવનારી માહિતી મુજબ કોરોના થી મોત ને ભેટનાર માતા ની અર્થીને કાંધ આપનાર પાંચેય દીકરાઓના એક પછી એક મોત થઇ ગયા હતા અને માત્ર 15 દિવસમાં જ આ પરિવારના છઠ્ઠા સભ્યનું મોત થઇ જતા કોરોના ની ભયાનકતા બહાર આવી છે અને લોકો માં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. દેશમાં આ પ્રકાર નો આ પહેલો બનાવ છે કે જેમાં કોરોનાથી એક જ પરિવારના છ લોકોના મોત થઇ ગયા છે અને આખો પરિવાર કોરોના ના ખપ્પરમાં હોમાઈ ગયો છે.
અહીંના ધનબાદના કતરાસ વિસ્તારના રાની બજારમાં રહેતા એક પરિવારના છઠ્ઠા સભ્યનું પણ સોમવારના રોજ કોરોના સંક્રમણના લીધે મોત થઇ ગયું છે.
મળતી માહિતી પ્રમાણે ચાર જૂલાઇના રોજ સૌથી પહેલાં 88 વર્ષના માતાનું નિધન બોકારોના એક નર્સિંગ હોમમાં અવસાન થયું હતું અને મૃતદેહની તપાસ કરી તો મૃતક નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો દરમ્યાન પોતાની માતા ની અર્થી ને કાંધ આપનાર અને અંતિમ સંસ્કાર કરનાર તમામ 5 દીકરાઓ ના વારા ફરતી મોત થઇ ગયા હતા અને ત્યારબાદ વધુ એક છઠ્ઠા સભ્ય નું પણ મોત થયું હતું.
એક દીકરાનું રાંચીની રિમ્સ કોવિડ હોસ્પિટલમાં મોત થયા બાદ બીજા દીકરાનું મોત કેન્દ્રીય હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું હતું.
જ્યારે ત્રીજો દિકરો ધનબાદના એક ખાનગી ક્વારેન્ટાઇન સેન્ટરમાં દાખલ હતો જેનું પણ મોત થઈ ગયુ અને 16 જુલાઇના રોજ ચોથા દીકરાનું પણ ટીએમએચ જમશેદપુરમાં કેન્સર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું. પાંચમા દિકરાને પણ ધનબાદની કોવિડ હોસ્પિટલમાં રેફર કર્યા બાદ રિમ્સ રાંચીમાં દાખલ કરાયો હતો. જ્યાં સોમવારે તેને છેલ્લાં શ્વાસ લીધા. આમ કોરોના વાયરસના સંક્રમણથી એક વૃદ્ધ મહિલા અને તેમના પાંચ દીકરાઓના મોત થતાં ચકચાર મચી ગઇ છે આમ કોરોના માં સાવચેતી લેવામાં ન આવે તો આ વાયરસ કેટલો ભયાનક છે તેનો અંદાજ આવી શકે છે આ વિસ્તારમાં આ ઘટના બાદ કોરોના નું નામ પડતાજ લોકો ધ્રુજી ઉઠે છે.
