જીવલેણ કોરોન મહામારીથી તહેવારો – ઉત્સવોને પણ ગ્રહણ લાગ્યુ છે. હોળી-ધૂળેટીનો તહેવાર આખા દેશમાં દર વર્ષે ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે. જોકે આ વખતે કોરોનાના કારણે આ તહેવારની ઉજવણીનો રંગ ફિક્કો રહ્યો હતો.
હોળી ધૂળેટી પહેલા જ દેશભરમાં કોરોનાની લહેર તેજ બન્યા બાદ સંક્રમણે હાહાકાર મચાવ્યો હોવાથી મોટા ભાગના રાજ્યોમાં હોળી ધૂળેટીની ઉજવણી પર જાત જાતના પ્રતિબંધો લાદી દેવામાં આવ્યાં હતાં. જેના કારણે આ તહેવારમાં થતા વેપારને ભારે નુકસાન થયું છે.
વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનું કહેવુ છે કે, અલગ અલગ રાજ્યોના વેપારી સંગઠનોના નેતાઓ સાથે થયેલી વાતના આધારે કહી શકાય કે દર વર્ષે હોળી ધૂળેટી નિમિત્તે પીચકારીઓ, રંગ, ખાવા પીવાની બીજી વસ્તુઓનો 50,000 કરોડ રુપિયાનો વેપાર દેશભરમાં થતો હોય છે પણ આ વખતે કોરોનાના કારણે આ વેપારને 35,000 કરોડ રુપિયાનો ફટકો વાગ્યો છે. વેપારીઓ પાસે હજારો કરોડો રુપિયાનો સ્ટોક પડી રહ્યો છે.
દર વર્ષે હોળી ધૂળેટી માટે 10,000 કરોડ રુપિયાના સામાનને ચીનથી આયાત કરવામાં આવતો હોય છે. આ વખતે જો કે ચીનમાંથી એક પણ રુપિયાની નિકાસ થઈ નથી. આમ, ચીનને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.