દેશમાં હવે મોટાપાયે વરિષ્ઠ નેતાઓના રાજીનામાં પડી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષના અસ્તિત્વ સામે સવાલો ઉભા થઇ ગયા છે, કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે આપેલા રાજીનામા બાદ હવે G-23 જૂથના નેતાઓના રાજીનામાનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને તેલંગાણાના નેતા એમએ ખાને પણ રાજીનામું આપી દેતા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.
તેઓએ કોંગ્રેસના પતન માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. ખાન કોંગ્રેસમાં બળવાખોર G-23 જૂથના સક્રિય સભ્ય હતા અને 2008 થી 2020 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા છે.
ખાને સોનિયાને લખેલા પત્રમાં કહ્યું હતું કે કોંગ્રેસ દેશના લોકોને એ સમજાવવામાં નિષ્ફળ રહી છે કે પાર્ટી બદલાવ કરી રહી છે અને દેશને આગળ લઈ જવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું- જ્યારે AAP સક્રિય હતુ ત્યાંરે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પાસેથી સૂચનો લેવામાં આવતા હતા પરંતુ હવે આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટીમાં 40 વર્ષની આ સફર હવે સમાપ્ત કરી રહ્યો છું.
અત્રે નોંધનીય છે કે એમએ ખાનને તેલંગાણા કોંગ્રેસના મજબૂત નેતા માનવામાં આવે છે અને રાજ્યની લગભગ 12 વિધાનસભા અને 2 લોકસભા સીટો પર તેઓની પકડ હોય કોંગ્રેસ માટે તેઓ ખુબજ અગત્યના નેતા હતા પણ હવે તેઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા કોંગ્રેસને નુકશાન સહન કરવું પડી શકે છે.