કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે.
સિસોદિયા પર વિપક્ષના નેતાઓની જાસૂસી કરવાનો આરોપ છે.
આ મામલે સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ સામે કેસ ચલાવવા માટે ગૃહ મંત્રાલય પાસે મંજૂરી માંગી હતી તે મંજૂર કરી દેવામાં આવી છે.
જાણકારી અનુસાર, 2015માં સત્તામાં આવ્યા બાદ દિલ્હી સરકારે એક ફીડબેક યુનિટ (FBU)ની રચના કરી હતી જેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું. સરકારે કહ્યું કે આ સાથે તેમનો હેતુ વિભાગોના ભ્રષ્ટાચાર પર નજર રાખવાનો છે. જો કે, બાદમાં સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેના દ્વારા દિલ્હી સરકાર વિપક્ષની પાર્ટીઓના કામકાજ પર નજર રાખી રહી હતી.
સીબીઆઈએ દિલ્હી સરકારના વિજિલેન્સ વિભાગના અધિકારીની ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. 2016માં એજન્સીએ જણાવ્યું હતું કે સોંપાયેલ કાર્યો ઉપરાંત, FBU એ અગ્રણી રાજકીય વ્યક્તિઓની જાસૂસી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલેથી જ દિલ્હીમાં વિવાદીત લિકર પોલીસી પર ઘેરાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર વિપક્ષના નેતાઓની જાસૂસી કરવાનો આરોપ લાવતા ફરી મુશ્કેલીઓ વધી છે.