રાજધાની દિલ્હીમાં તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે વિસ્ફોટ કરવાની ધમકી આપતા સમગ્ર દિલ્હીમાં હાઈ સિક્યુરિટી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે મોડી રાત્રે સરોજિની માર્કેટ સહિતના સંવેદનશીલ જણાતા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ તહરીક-એ-તાલિબાને ધમકીભર્યા ઈ-મેઈલ મોકલી દિલ્હીમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપતા ઉત્તર પ્રદેશ પોલીસને ફરિયાદ મળતા યુપી પોલીસે તરત જ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરી હતી.
હુમલાના ઈનપુટ મળતાં જ દિલ્હી પોલીસ સચેત થઈ ગઈ છે અને સંવેદનશીલ સ્થળોએ બંદોબસ્ત વધારી દઇ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
અત્રે નોંધનીય છે કે અગાઉ તા.14 જાન્યુઆરીએ સુરક્ષા દળોએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમ્યાન દિલ્હીના ગાઝીપુર અને 18 ફેબ્રુઆરીએ જૂની સીમા પુરીમાંથી મોટી સંખ્યામાં IED વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. પાકિસ્તાનમાં તૈયાર કરાયેલા આ વિસ્ફોટકો જમીન કે દરિયાઈ માર્ગે ભારત પહોંચ્યા હોવાની વાત સામે આવી હતી. આ વિસ્ફોટકોને સુરક્ષા દળોએ સમયસર નિષ્ક્રિય કરી દીધા હતા. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર બંને જગ્યાએથી મળી આવેલા વિસ્ફોટકોના તાર એક જ જગ્યા સાથે જોડાયેલા હતા.
બીજી ખાસ વાત એ કે આજથી 14 વર્ષ પહેલા 13 સપ્ટેમ્બર 2008ના રોજ જેતે સમયે આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા
એક મીડિયા હાઉસને ઈમેઈલ મોકલ્યો હતો અને માત્ર 5 મિનિટમાંજદિલ્હીમાં બ્લાસ્ટ થવાના હોવાની માહિતી આપી હતી અને જો તમે રોકી શકો તો રોકી લો તેવી આતંકી સંગઠન દ્વારા જણાવાયુ હતું અને આ પછી દિલ્હીમાં ચાર શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. એક પછી એક આ વિસ્ફોટોથી દિલ્હી સંપૂર્ણપણે હચમચી ગયું હતું. પહેલો બ્લાસ્ટ કનોટ પ્લેસ પાસે થયો હતો. આ સિવાય કરોલ બાગના ગફાર માર્કેટ અને ગ્રેટર કૈલાશ-1માં પણ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 21 લોકોના મોત થયા હતા અને 90થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આમ, તે વખતે આ ઇ- મેઈલમાં અપાયેલી ધમકી મુજબ વિસ્ફોટો થતા આ વાતને સિરિયસ લેવામાં આવે છે.