દિવાળી અને નૂતન વર્ષ ના પ્રારંભે દેશ માં આતંકી હુમલા ના મળેલા ઇનપુટ વચ્ચે દિલ્હીમાં મોટા આતંકી હુમલા નું કાવતરું દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નિષ્ફળ બનાવી બે આતંકીની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના હોવાની વિગતો બહાર આવતા ભારે સનસનાટી મચી ગઇ છે. ઝડપાયેલા આતંકીઓ દિલ્હીમાં મોટા પાયે બ્લાસ્ટ અને ફાયરિંગ કરી તબાહી મચાવવાનો મનસૂબો ધરાવતા હોવાનું પોલીસ તપાસ માં બહાર આવ્યું છે.
દિલ્હી પોલીસ ને જાણકારી મળી ચુકી હતી કે આતંકીઓ દિલ્હી માં કઈક મોટુ કરવાની ફિરાક માં છે અને તે ઈનપુટ મળતા આતંકીને પકડવા માટે ટ્રેપિંગ કરવામાં આવ્યું હતું. સોમવારે રાતે 10.15 વાગે જૈશ-એ-મોહમ્મદના બંને આંતકીની સરાયકાલે ખાના મિલિનિયમ પાર્કમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યાં છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા દિલ્હીના સોપોરમાં રહેતા અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાના હટ મુલ્લા ગામમાં રહેતા અશરફ ખાતાના તરીકે થઈ છે. પોલીસને તેમની પાસેથી બે સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 10 લાઈવ કારતૂસ મળી આવી છે. આમ દિલ્હી પોલીસ ની સતર્કતા ને લઈ મોટાપાયે ખુવારી થતા અટકી હતી અને આતંકવાદીઓ કોઇ ઘટના ને અંજામ આપે તે પહેલાં જ ઝડપાઇ ગયા હતા.
