મિઝોરમઃ છેલ્લા સાત મહિનાથી દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીથી હાહકાર મચાવી રાખ્યો છે અને લાખો લોકોના મોત નિપજ્યા છે. કોરોનાનું સંક્રમણ જ્યારે પીક ઉપર હતુ ત્યારે દેશનુ એક માત્ર એવુ રાજ્ય જ્યાં સંક્રમણથી એક પણ મોત થયુ ન હતુ. હવે દેશમાં કોરોના વાયરસથી મોત ઘટી રહ્યા છે, ત્યારે બુધવારે આ રાજ્યથી માઠા સમાચાર આવ્યા છે. અહીંયા કોરોનાથી પ્રથમવાર કોઇ દર્દીની મોત થઇ છે.
આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યુ કે, મિઝોરમમાં 66 વર્ષીય વ્યક્તિએ આઇઝોલની નજીક એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો છે.તે કોરોના સંક્રમિત હતો અને વિતેલા દસ દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. ડો. એચસી લાલદીનાએ કહ્યુ કે, દર્દીની 10 દિવસથી રાજકીય જોરામ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી હતી. એઝાવલનો રહેવાર આ મૃતક દર્દી હૃદય રોગથી પીડિત હતો.
મિઝોરમમાં કોરોનાથી થયેલ પ્રથમ મોતે સમગ્ર રાજ્યને ચોંકાવી દીધું છે. શરૂઆતમાં પોઝિટિવ કેસ આવ્યા બાદ કોરોનાનો પ્રકોપ ઘટવા લાગ્યો હતો અને હવે રાજ્યમાં થયેલ આ પ્રથમ મોતથી લોકો ડરવા લાગ્યા છે. જો કે ડોક્ટરોએ કહ્યુ કે, કોરોના સંક્રમિત આ મૃતક દર્દીને હૃદય રોગની બિમારી હતી અને બીજા પણ કોમ્પ્લિકેશન્સ હતા, આના કારણે મોત થયુ છે.
મિઝોરમમાં કોરોનાનો પ્રથમ કેસ 24 માર્ચે નોંધાયો હતો. દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી હતી તે નેધરલેન્ડથી પરત ફર્યો હતો. સારવાર બાદ તેને 45માં દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ બીજો કેસ છેક 1લી જૂને નોંધાયા હતા અને ત્યારે 12 લોકો સંક્રમિત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 2656 કેસ નોંધાયા છે. જેમાંથી 2238 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 417 એક્ટિવ કેસ છે.