કેન્દ્ર સરકાર દ્વારા દેશની 4 હજાર આર્મી કેન્ટીન્સને હવે થી વિદેશી સામાન આયાત ન કરવાનો આદેશ આપતા મોંઘોદાટ વિદેશી દારૂ સ્કોચ વ્હીસ્કી પણ નહીં મળે તેથી સ્વદેશી દારૂ મળશે.
સરકારે આ નિર્ણય આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી લીધો છે. નિર્ણય પહેલાં ત્રણેય સેનાઓ પાસેથી સલાહ લેવામાં આવી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
દેશમાં લગભગ 4 હજાર આર્મી કેન્ટીન છે, જેમાં ડિસ્કાઉન્ટ ભાવે સામાન મળે છે, જેનો ફાયદો વર્તમાન અને પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારોને મળે છે. સામાન્ય રીતે વિદેશી દારૂ અને ઈલેક્ટ્રોનિક્સ સામાનની માગ વધુ રહે છે. સરકારના નિર્ણય પછી હવે આર્મી કેન્ટીનમાં વિદેશી સામાન નહીં વેચી શકાય, જેમાં વિદેશી દારૂ પણ સામેલ છે. આર્મી કેન્ટીન દેશની સૌથી મોટી રિટેલ ચેઈનમાંની એક છે, જેમાં દર વર્ષે લગભગ 200 કરોડ રૂપિયાનું વેચાણ થાય છે.
19 ઓક્ટોબરે રક્ષા મંત્રાલયે વિદેશી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો, જેમાં જણાવાયુ હતું કે ડાયરેક્ટ ઈમ્પોર્ટ નહીં કરવામાં આવે. ઓર્ડર પ્રમાણે, આ અંગે આર્મી, એરફોર્સ અને નેવી સાથે મે અને જુલાઈ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.
ઓર્ડરમાં હાલ એ સામાનો એટલે કે પ્રોડક્ટની માહિતી આપવામાં આવી નથી, જેની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવશે. જોકે સૂત્રોનું કહેવું છે કે આમાં વિદેશી દારૂ સામેલ છે. કેન્ટીનમાં વેચાતા સામાનમાં લગભગ 7% પ્રોડક્ટ્સ ઈમ્પોર્ટેડ હોય છે. આમ હવે ધીરેધીરે સ્વદેશી વસ્તુઓ તરફ વળવા માટે પહેલ થઈ રહી છે અને દેશ માં જ ઉચ્ચ ગુણવત્તા વાળી વસ્તુઓ બને તેવા પ્રયાસો કરાશે.
