પનામા પેપર્સના અહેવાલના આધારે ભારતમાં જાહેર ન કરાયેલી એટકે કે અઘોષિટ સંપત્તિઓને ઓળખી કાઢવામાં આવી છે. પનામા પેપર્સ દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના નાણાં કરચોરાના સ્વર્ગ ગણાતા દેશોમાં તેમના નાણાં કેવી રીતે ગોઠવે છે તેને ઉઘાડું કરે છે. પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સંશોધન પનામા પેપર્સમાં જાહેર થયેલી વિગતોને આધારે ભારતીય કરવેરા અધિકારીઓએ કરેલી તપાસમાં વીસ હજાર કરોડ રૃપિયા કરતાં વધારે રકમની અઘોષિત સંપત્તિ ઓળખી કાઢવામાં આવી છે.
રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ કરવામાં આવેલી એક અરજીનો જવાબ આપતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ-સીબીડીટી-એ જણાવ્યું હતું કે જુન ૨૦૨૧ સુધીમાં આ તપાસને અંતે દેશ અને વિદેશમાં ૨૦,૦૭૮ કરોડ રૃપિયાની અઘોષિત સંપત્તિ ઓળખી કાઢવામાં આવી છે.
એપ્રિલ ૨૦૧૬માં પનામાની લો ફર્મ મોસેક ફોન્સેકામાંથી મેળવવામાં આવેલા ૧૧.૫ મિલિયન ગુપ્ત દસ્તાવેજોનો અભ્યાસ કરી ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટસ-આઇસીઆઇજે- દ્વારા ૧૦૦ મિડિયા પાર્ટનર્સની સહાયથી આ કૌભાંડની વિગતો બહાર પાડવામાં આવી હતી. ભારતમાં આ કૌભાંડની વિગતો ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.
રસપ્રદ બાબત એ છે કે સીબીડીટીના જણાવ્યા અનુસાર એપ્રિલ ૨૦૧૮માં ૧૦૮૮ કરોડ રૃપિયાની અને જુન ૨૦૧૯માં ૧૫૬૪ કરોડ રૃપિયાની અઘોષિત સંપત્તિ ઓળખી કાઢવામાં આવી હોવાનું સીબીડીટીએ જણાવ્યું હતું તેની સરખામણીમાં આ વખતે મોટા પ્રમાણમાં આવી અઘાષિત સંપત્તિ ઓળખી કાઢવામાં આવી છે.
સીબીડીટીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે બ્લેક મની એક્ટ અને ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ દેશની વિવિધ અદાલતોમાં ૪૬ કેસ નોંધાવવામાં આવ્યા છે અને ૮૩ કેસમાં સર્ચ એન્ડ સર્વે કરવામાં આવ્યા છે.