મુંબઇઃ જો તમે પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટવાની આશા રાખી રહ્યા છો તો તમને માત્રને માત્ર નિરાશા જ મળશે કારણ કે મોદી સરકારે સ્પષ્ટ શબ્દોમા કહી દીધુ છે કે અમે ઇંધણની કિંમત ઘટાડવા માટે એક્સાઇઝ ડ્યૂટીમાં કોઇ કાપ મૂકીશુ નહી. ઉલ્લેખનિય છે કે, ભારતમાં કોરોના મહામારી દરમિયાન પેટ્રોલ-ડીઝલની કિંમતો રોજેરોજ વધીને હાલ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને વટાવી ગઇ છે તો ડીઝલની કિંમત 90 રૂપિયા પ્રતિ લિટરની ઉપર પહોંચી ગઇ છે.
કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં પૈસાનો પણ ઘટાડો કરવા સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમને સોમવારે સ્પષ્ટ શબ્દોમા કહ્યુ કે, હાલ ઇંધણ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાનો કોઇ પ્રશ્ન જ નથી. તેમણે ઉમેર્યુ કે, અગાઉની યુપીએ સરકાર ઓઇલ બોન્ડ લઇને આવી હતી અને હાલ અમારી સરકારને તેના વ્યાજની ચૂકવણી કરવી પડી રહી છે.
સીતારમને કહ્યુ કે, સરકાર છેલ્લા 5 વર્ષમાં ઓઇલ બોન્ડના વ્યાજ પેટે 70,195.72 કરોડ રૂપિયાથી વધારે રકમની ચૂકવણી કરી ચૂકી છે. હજી પણ સરકારને વર્ષ 2026 સુધી 37,000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવાનુ છે. વ્યાજનૂ ચૂકવણી બાદ 1.30 લાખ કરોડ રૂપિયાની મૂળ રકમ તો ચૂકવવાની બાકી જ રહેશે. જો સરકાર પર ઓઇલ બોન્ડનો બોજ ન હોત તો તે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટવાની સ્થિતિમાં હોત.
નાણામંત્રીએ કહ્યુ કે, યુપીએ સરકારે 1.44 લાખ કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડ ઇશ્યૂ કરીને ઇંધણની કિંમતો ઘટાડી હતી. હું યુપીએ સરકારની જેમ ચાલબાજી કરી શકતી નથી. ઓઇલ બોન્ડ્સના કારણે અમારી સરકાર પર બોજ પડ્યો છે. આ કારણે જ અમે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડાવામાં અસમર્થ છીએ.