દેશ ભયંકર કોરોના ની લહેર માંથી પસાર થઈ રહ્યો છે અને બીજી તરફ આજે બંગાળના પાંચ જિલ્લાની 44 બેઠક પર ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન સાંજે 6.30 વાગ્યા સુધી ચાલશે. આ તબક્કામાં 373 ઉમેદવાર જંગ માં છે. અહીં 1,15,81,022 મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે. હાવડામાં 9, દક્ષિણ 24 પરગનાની 11, અલીપુરદ્વારની 5, કૂચ બિહારની 9 અને હુગલીની 10 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન કૂચબિહારના સીતાલકુચીમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલો છે જેમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. હાલ ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરાયા છે.
જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ચૂંટણીપંચને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે સીતલકુચી, નટબરી, તુફાનગંજ અને દિનહાટાના અનેક બૂથ પર ભાજપના ગુંડાઓ હોબાળો કરી રહ્યા છે અને TMC એજન્ટોને બૂથમાં પ્રવેશતાં અટકાવી રહ્યા છે. TMCએ ચૂંટણીપંચને પત્ર લખીને જરૂરી કાર્યવાહીની માગ કરી છે.
આમ મતદાન ના દિવસે જ ભારે તંગદીલી જોવા મળી રહી છે.
