પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે તેઓ હાવડામાં વિરોધ સ્થળ ઉપર જઈ રહયા હતા ત્યારે તેઓની ધરપકડ કરવામાં આવી હતી. હાવડામાં કલમ 144 પહેલેથી જ લાગુ છે. જેના કારણે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ તેઓને બીજા હુગલી બ્રિજ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે તેઓની ધરપકડ કરી હતી
દરમિયાન બીજેપી ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કહ્યું કે બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારને સવારથી જ નજરકેદ કેમ રાખવામાં આવ્યા હતા ? કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે ? શું કરી રહી છે CM મમતા? સેના અને અર્ધલશ્કરી દળો અહીં તૈનાત હોવા જોઈએ તે કેમ નથી?
અગાઉ, નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને પશ્ચિમ બંગાળમાં સતત બીજા દિવસે હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડીને ભીડને વિખેરી નાખી હતી. હિંસાને પગલે, હાવડાના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલ્વે સ્ટેશનોના ભાગોમાં અને તેની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે કલમ 144 15 જૂન સુધી લાગુ રહેશે.
ગઈકાલે પણ કોલકાતામાં લોકોએ શુક્રવારની નમાજ બાદ પ્રદર્શન કર્યું હતું. શુક્રવારની નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા અને નુપુર શર્માની ધરપકડની માંગ કરી હતી. આ સિવાય પશ્ચિમ બંગાળના હાવડામાં પણ ભારે હંગામો થયો હતો. સીએમ મમતા બેનર્જીએ પ્રદર્શનકારીઓને શાંત રહેવા અપીલ કરી હતી,લગભગ 10 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન આજે ભાજપ નેતાની અટકાયત બાદ રાજકીય માહોલ ગરમાયો છે.