બંગાળમાં જેના ઉપર સૌની નજર હતી તે નંદીગ્રામ બેઠક પર ભાજપ ના શુભેન્દુ અધિકારીએ 1956 મતથી મમતા બેનર્જી ને હરાવ્યા હતા. રાત્રે 11 વાગ્યે આવેલા પરિણામ મુજબ નંદીગ્રામમાં કુલ 17 રાઉન્ડનું કાઉન્ટિંગ થયું. મમતા બેનર્જીએ 12થી 15 રાઉન્ડ સુધી સરસાઈ બનાવી રાખી હતી પણ અંતે અધિકારીએ નંદીગ્રામ બેઠક કબ્જે કરી હતી.
કોરોના કાળ માં પણ 62 દિવસ ચાલેલી ચૂંટણી પ્રક્રિયા પછી રવિવારે બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીના ચૂંટણી પરિણામ ક્લિયર થઈ ચૂક્યા છે જેમાં પ્રતિષ્ઠિત નંદીગ્રામ બેઠક ના પરિણામ ઉપર સૌની નજર હતી કારણ કે બંગાળની આ સીટ પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે મેદાનમાં હતા. તેમનો મુકાબલો પોતાના જ પક્ષ માંથી ભાજપ માં ગયેલા શુભેન્દુ અધિકારી સામે હોવાથી અહીં ચૂંટણી ભારે રસપ્રદ બની હતી અને શુભેન્દુ અધિકારી એ મમતા ને ચેલેન્જ કરી હતી કે નંદીગ્રામ બેઠક જીતી ને બતાવે.
એટલુંજ નહિ અધિકારી એ એટલે સુધી કહી દીધું હતું કે જો આ બેઠક ઉપર પોતે હારી જશે તો કાયમ માટે રાજકારણ છોડી દેશે.
આમ અડગ વિશ્વાસ ને લઈ શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જી ને હરાવી નંદીગ્રામ બેઠક કબ્જે કરી હતી. પશ્ચિમ બંગાળમાં સૌથી હાઈપ્રોફાઈલ અને ચર્ચિત બેઠક નંદીગ્રામ રહી છે. આ બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને એક સમયે તેમના સહયોગી રહેલા શુભેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર હતી. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં તમામની નજરો આ બેઠક પર મંડરાયેલી હતી.
આ બેઠક પર 2009ની પેટાચૂંટણીથી તૃણમૂલ કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને 2016ની વિધાનસભા ચૂંટણીમાં TMCની ટિકિટ પર લડેલા શુભેન્દુ અધિકારીની જીત થઈ હતી. તેમણે લેફ્ટ ઉમેદવાર અબ્દુલ કબીર શેખને 81 હજાર મતોથી પરાજય આપ્યો હતો. જે બાદ મમતા કેબિનેટમાં તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જો કે આ વિધાનસભા ચૂંટણી પહેલા જ અધિકારીએ ભાજપનો ભગવો ધારણ કરી લેતા મમતા બેનરજીએ પણ આજ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જેમાં તેઓ ની હાર થઈ હતી.
