નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડતા આરોગ્ય કર્મચારીઓ માટે સારા સમાચાર નથી. સૂત્રો અનુસાર, સરકારે તેમને વીમા કવચને આગળ જતા નહિં વધારવાનો નિર્ણય લીધો છે. યોજના અંતર્ગત આરોગ્ય કર્મચારીઓના મોત પર પરિવારને 50 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે. આ યોજના માર્ચ 2020 માં શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ કોરોના આરોગ્ય કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવાનો છે જેથી કોરોના વોરિયર્સ મૃત્યુ પામે ત્યારે તેમના પરિવારોની સંભાળ થઈ શકે.
મોદી સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. 24 માર્ચે રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે લખ્યું છે કે, આ વીમા યોજના શરૂઆતમાં 90 દિવસ સુધી લાગૂ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં આને વધારીને 24 માર્ચ 2021 સુધી કરી દેવામાં આવી હતી.
તેમણે લખ્યું કે, કોરોનાના આ દોરમાં આ યોજનાને ફરજ દરમિયાન જીવ ગુમાવનારા સ્વાસ્થ્ય કર્મચારીઓના પરિવાર જનોને રાહત આપવાનું કામ કર્યું છે. આ પત્રમાં આ વીમા યોજનાને વધારવાની વાત નથી કરવામાં આવી. આનો મતલબ થયો કે 24 માર્ચ 2021ના રોજ આ યોજના પૂર્ણ થઇ ગઇ છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ યોજના હેઠળ 24 એપ્રિલ સુધી વીમ ક્લેમ કરી શકાશે.
સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 287 ક્લેમ થયા અથવા તો અપ્રૂવ થયા છે અથવા તેની ચૂકવણી કરી દેવામાં આવી છે. જોકે, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના અનુસાર 736 ડૉક્ટર્સ ફરજ દરમિયાન જીવ ગુમાવી ચૂક્યા છે. આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રવિ વાનખેડકરે જણાવ્યું કે, 736માંથી માત્ર 287 ડૉક્ટરોના પરિવારોને જ આ વીમાની રકમ આપવામાં આવી. જોકે, સરકાર તરફથી આ વાતની માહિતી નથી આપવામાં આવી કે ફરજ દરમિયાન કેટલા ડૉક્ટરોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.
આ વીમા સુવિધા ડોકટરો, નર્સો, તબીબી સહાયકો, સેનિટેશન કામદારો અને કેટલાક અન્ય લોકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો હેઠળની હોસ્પિટલોમાં કાર્યરત છે. આ યોજનાની ઘોષણા કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે સેનિટરી કામદારો, વોર્ડ બોયઝ, નર્સો, આશા વર્કરો, સહાયકો, ડોકટરો અને નિષ્ણાંતો અને અન્ય આરોગ્ય કર્મચારીઓને આ વિશેષ વીમા સુવિધાનો લાભ મળતો હતો. આ યોજનામાં ખાનગી ક્ષેત્રના આરોગ્ય કર્મચારીઓને પણ શામેલ કરવામાં આવ્યા હતા.