ફિલ્મીદુનિયા માં ખુબજ લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈ ખાતે શુક્રવારે મોડીરાત્રે કાર્ડિયેક એટેક આવતા નિધન થયું જતા બોલિવૂડ માં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
તેઓ 71 વર્ષના હતા. સરોજ ખાન ને શ્વાસ લેવામાં મુશ્કેલી થતા તેમને 17 જૂનથી મુંબઇના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તબીયત વધુ લથડતા સરોજ ખાને રાત્રે 1.52 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા. જેઓની અંતિમવિધિ મુંબઈના ચારકોપ કબ્રિસ્તાનમાં તેમના સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
બોલિવુડ માં ખુબજ જાણીતા આ કોરિયૉગ્રાફર ડાયાબિટીઝ સહિત ની બીમારીઓ થી પીડાતા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓ લાંબા સમયથી પોતાના કામથી દૂર હતા, પરંતુ ગત વર્ષ (2019)માં તેમણે ધમાકેદાર મલ્ટીસ્ટાર ફિલ્મ ‘કલંક’ અને કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’માં એક એક ગીતનું કોરિયોગ્રાફ કર્યું હતું.
બોલિવુડના દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજખાને પોતાની કારકિર્દી ની શરૂઆત માત્ર 3 વર્ષની ઉંમરથી બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે શરૂ કરી હતી અને 1974માં ગીતા મેરા નામથી પ્રથમ કોરિયોગ્રાફર ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં કામ મળ્યું હતું. તેઓએ પોતાની કરિયરમાં 2000થી વધારે ગીતોમાં કોરિયોગ્રાફી કરી હતી જેઓને ત્રણ વખત નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. સરોજ ખાને કેટલીક ફિલ્મો માં રાઈટર તરીકે પણ કામ કર્યું હતું.
ફિલ્મજગત માં મશહૂર વધુ એક પ્રતિભા ની વિદાય થી બોલિવૂડ ને ખોટ પડી છે.
