કોરોનાની મહામારીના કારણે સૌથી વધારે પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ પણ છે. તાજેતરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને પત્ર લખીને ભારતની કોરોના વેક્સીન પૂરી પાડવા અપીલ કરી હતી.
હવે બ્રાઝિલે ભારતમાં બનેલી કોવેક્સીનના 2 કરોડ ડોઝ લેવાનો ઈનકાર કરી દીધો છે. આ ડોઝ માટે બ્રાઝિલે ઓર્ડર આપ્યો હતો પણ હવે બ્રાઝિલની દલીલ છે કે, વેક્સીનના ઉત્પાદનમાં યોગ્ય ધારા ધોરણોનું પાલન કરાયું નથી. બીજી તરફ વેક્સીન બનાવનાર કંપની ભારત બાયોટેકે કહ્યું છે કે, આ મુદ્દે બ્રાઝિલ સાથે ચર્ચા ચાલી રહી છે.
રિપોર્ટસ પ્રમાણે બ્રાઝિલ સરકાર તરફથી કહેવાયું છે કે, દવા બનાવવા માટે જે નીતિ નિયમોનુ પાલન થવું જોઈએ તે થયું નહીં હોવાથી કોવેક્સીનને રિજેક્ટ કરવામાં આવી છે. જેના પર એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કંપનીએ કહ્યું હતું કે, બ્રાઝિલ દ્વારા જે પણ જરુરિયાત દર્શાવાઈ છે તેને પૂરી કરાશે. આ માટેની સમય મર્યાદા નક્કી કરવા બ્રાઝિલ સાથે વાત ચાલી રહી છે. આ મુદ્દાનો વહેલી તકે ઉકેલ લાવી દેવાશે.
ભારત બાયોટેકે એવો પણ દાવો કર્યો છે કે, વેક્સીનનો ઓર્ડર રદ કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ભારત બાયોટેક અને પૂણેની વેક્સીન કોવીશિલ્ડનો ભારતમાં હાલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોવેક્સીનને ભારતમાં ઉપયોગ માટે જાન્યુઆરીમાં જ મંજૂરી અપાઈ હતી. આ વેક્સીનના 2 કરોડ ડોઝનો ઓર્ડર બ્રાઝિલે ગયા મહિને જ આપ્યો હતો.