ગોવા કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા બાદ તેઓ દિલ્હી પહોંચ્યા છે અને આજે સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.
વિગતો મુજબ ગોવાના સીએમ પ્રમોદ સાવંત મોડી રાત્રે આ 8 ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા હતા.
તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવ્યા છીએ.
બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યો તેમના દિલ્હી પ્રવાસ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળવાની શક્યતા છે.
મહત્વનું છેકે ગત બુધવારે, 14 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના ધારાસભ્યો દિગંબર કામત, માઈકલ લોબો, ડેલિલા લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અનોનકર, એલેક્સીઓસ સિક્વેરા અને રુડોલ્ફ ફર્નાન્ડિસ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
તમને જણાવી દઈએ કે આ વર્ષે ગોવામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ રાજ્યમાં સત્તામાં છે.
અહીં ચાલીસ સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 20 ધારાસભ્યો હતા, જ્યારે પક્ષપલટાના કારણે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા હાલ 11 માંથી ઘટીને માત્ર ત્રણ થઈ ગઈ છે.