નવી દિલ્હીઃ ભારતની નિકાસમાં છ મહિના બાદ વધારો જોવા મળ્યો છે. આજે વેપાર અને વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં દેશમાં વાર્ષિક તુલનાએ નિકાસ 5.99 ટકા વધીને 27.58 અબજ ડોલર થઇ છે. તો સપ્ટેમ્બરમાં આયાત વાર્ષિક તુલનાએ 19.6 ટકા ઘટીને 30.31 અબજ ડોલર નોંધાઇ છે. જે માર્ચ પછી નિકાસમાં પ્રથમ માસિક વધારો દર્શાવે છે. તો બીજી બાજુ આયાતમાં ઘટાડો યથાવત્ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, સપ્ટેમ્બર 2019માં દેશમાં 26.02 અબજ ડોલરની નિકાસ અને 37.69 અબજ ડોલરની આયાત થઇ હતી. કોરોના કટોકટી-લોકડાઉનના અને વૈશ્વિક માંગ ઘટવાથી ભારતની નિકાસ માર્ચથી ઓગસ્ટ દરમિયાન સતત છ મહિના સુધી ઘટી હતી અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં નિકાસ વધી છે જે ભારત માટે સારા સમાચાર ગણાય છે.
આમ સપ્ટેમ્બર મહિનામાં દેશની વેપારખાધ માત્ર 2.72 અબજ ડોલર નોંધાઇ છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં દેશની વેપારખાધ 11.67 અબજ ડોલર નોંધાઇ હતી. વેપારખાધમાં ધરખમ ઘટાડો એ નિકાસમાં વૃદ્ધિ અને આયાતમાં ઘટાડાને આભારી છે.
નોંધનિય છે કે, કોરોના કટોકટીને લીધે ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. જેમાં માર્ચના અંકમાં લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે મોટાભાગની આર્થિક ગતિવિધિઓ અટકી ગઇ હતી. બીજી બાજુ કોરોના ક્રાઇસિસના લીધે વૈશ્વિક માંગમાં પણ ધરખમ ઘટાડો થવાથી નિકાસમાં ધરખમ ઘટાડો થયો હતો.