નવી દિલ્હીઃ ભારતમાં ટુંક સમયમાં ડ્રાઇવ લેસ મેટ્રો ટ્રેન દોડતી હોવાનું સ્વપન સાકાર થશે. આગામી ૨૮મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રોને ગ્રીન સિગ્નલ આપશે. એ સાથે જ દિલ્હી મેટ્રોના નામે વધુ એક અનોખો વિક્રમ નોંધાઈ જશે. મજેન્ટા લાઈનમાં સૌપ્રથમ આ મેટ્રો દોડતી થશે. દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈનમાં દેશની સૌપ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો દોડશે. આ ડ્રાઇવર લેસ મેટ્રોની મહત્તમ ગતિ ૯૫ કિલોમીટર પ્રતિકલાક હશે અને તેની ઓપરેશન સ્પીડ ૮૫ કિલોમીટર પ્રતિકલાક રહેશે.
ભારતની પહેલી ડ્રાઇવર લેસ આ મેટ્રોનું સંચાલન દિલ્હી મેટ્રો રેલ નિગમની હેડઓફિસ ખાતેથી થશે. મજેન્ટા લાઈન પછી પિંક લાઈનમાં પણ ડ્રાઈવરલેસ મેટ્રો દોડતી થશે. થોડા સમયથી આ મેટ્રોનું પરીક્ષણ થતું હતું. બધા જ તબક્કામાં ખરી ઉતર્યા પછી હવે સત્તાવાર રીતે દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન દોડશે. કેન્દ્ર સરકારે થોડા વખત પહેલાં ચાલકરહિત મેટ્રોને પરવાનગી આપ્યા પછી મજેન્ટા લાઈનમાં બાયોનિકલ ગાર્ડનથી જનકપુરી પશ્વિમની વચ્ચે ૩૭ કિલોમીટર સુધી આ મેટ્રોને દોડાવવાનું નક્કી થયું હતું.
ઉલ્લેખનીય છે કે, DMRCના અધિકારી અનુસાર પિંક લાઈન અને મજેન્ટા લાઈનની શરુઆતથી જ ડ્રાઈવર લેસ ટેકનિક સાથે ટ્રેક પર ઉતરી હતી. 2017માં જ મજેન્ટા લાઈનની શરુઆત ડ્રાઈવર લેસ ટેકનિકથી યુક્ત ટ્રેનો સાથે થઈ હતી. પરંતુ અત્યાર સુધી ડ્રાઈવરની મદદથી જ ટ્રેનો ઓપરેટ કરવામાં આવતી હતી. ટ્રેનને અત્યાર સુધી ડ્રાઈવર જ સ્ટાર્ટ કરતા આવ્યા છે, જેના બાદ ટ્રેન સીબીટીસી ની ટેકનિકથી દોડતી હતી.