નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે, ભારતને ચીનથી આયાત કરવાની જરૂરીયાત નથી. તેમણે નિકાસ વધારવા અને દેશને આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઇ)ની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાની વાત કરી છે.
તેમણે કહ્યુ કે ભારત ઘણા બધા માલસામાનની આયાત કરવાના બદલે નિકાસ કરી રહ્યુ છે. એવામાં દેશને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પાસે પોતાની ક્ષમતા વધારવા અને દેશમાંથી નિકાસને પ્રોત્સાહન આપવાની તક રહેલી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે અને એમએસએમઇ મંત્રીએ કહ્યુ કે, વાહન અને કૃષિ જેવા અન્ય ક્ષેત્રોમં પણ અમે દરેક સ્થળોએ પહેલાથી જ સમાધાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. હવે આપણે ચીનથી આયાત કરવાની જરૂર નથી. આથી હું ચીન કે કોઇ અન્ય દેશ અંગે કોઇ વાત કરીશ નહીં. દરેક દેશની પોતાની નીતિ હોય છે. જ્યાં સુધી ભારતીય નીતિઓનો સવાલ છે, આપણે ટેકનોલોજી અપનાવી રહ્યા છે, ખર્ચ ઘટી રહ્યો છે અને સારી ગુણવત્તાના પ્રોડક્ટ બની રહ્યા છે. અમારી શક્તિ યુવાન પ્રતિભાશાળી કાર્યબળ છે, જે અહીંયા ઉપલબ્ધ છે.
તેમણે વધુમાં કહ્યુકે, આપણા આઇઆઇટી- એન્જિનિયરિંગ કોલેજ અને રિસર્ચ સેન્ટર ઘણી અવનવી શોધ કરી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તે ભારતને સમગ્ર દુનિયાની જરૂરીયાત પૂર્ણ કરવામાં મદદ કરશે. હાલ મોટાભાગના દેશો ચીનની સાથે કામ કરવા ઇચ્છતા નથી. તેઓ તેના બદલે ભારતમાં રસ દર્શાવી રહ્યા છે. મંત્રીએ એ વાત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારતને કોવિડ-19ની અસરકારક વેક્સીન જલ્દીથી પ્રાપ્ત થશે. તેની સાથે-સાથે જ અમે મહામારીને નિયંત્રિત કરી લઇશુ અને આર્થિક યુદ્ધમાં જીત હાંસલ કરીશુ.