નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. દૈનિક નવા કેસો ઘટવાની સાથે સાથે મૃત્યુઆંક પણ ઘટવા લાગતા હવે હાંશકારો થયો છે.
ભારતમાં રવિવાર 7 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા ઘટીને ૧.૧૪ લાખ થઈ હતી, જે છેલ્લા ૬૦ દિવસમાં સૌથી ઓછી હતી. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૮૮ કરોડ થઈ હતી. રવિવારે કોરોનાથી વધુ ૨,૬૭૭નાં મોત થયા છે, જે ૪૨ દિવસમાં સૌથી ઓછો છે. કુલ મૃત્યુઆંક ૩.૪૬ લાખ થયો હતો. એક્ટિવ કેસ પણ ઘટીને ૧૫ લાખથી ઓછા થયા છે. દરમિયાન હરિયાણામાં લૉકડાઉન ૧૪ જૂન સુધી લંબાવાયું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ચાર જિલ્લા સિવાયના વિસ્તારોને કરફ્યૂ મુક્ત કરાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોરોનાનો પ્રકોપ ઘટવાની સાથે દૈનિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૫.૬૨ ટકા થયો હતો, જે સતત ૧૩મા દિવસે ૧૦ ટકાથી નીચે રહ્યો હતો. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૬.૫૪ ટકા રહ્યો હતો. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ પણ ઘટીને ૧૪,૭૭,૭૯૯ રહ્યા હતા, જે કોરોનાના કુલ કેસના ૫.૧૩ ટકા જેટલા હતા જ્યારે રાષ્ટ્રીય રિકવરી રેટ સુધરીને ૯૩.૬૭ ટકા થયો છે. કોરોનાના એક્ટિવ કેસમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૭,૪૪૯ કેસનો ઘટાડો નોંધાયો હતો. દેશમાં સતત ૨૪મા દિવસે કોરોનાના નવા દૈનિક કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી છે. કોરોના મહામારીમાંથી કુલ ૨.૬૯ કરોડ દર્દીઓ સાજા થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કોરોનાની રસીના ૧.૬૩ કરોડથી વધુ ડોઝ છે. કેન્દ્ર સરકારે રાજ્યોને મફત અને રાજ્યો દ્વારા સીધી ખરીદીની કેટેગરી મારફત રાજ્યોને કુલ ૨૪ કરોડથી વધુ ડોઝ પૂરા પાડયા છે, જેમાંથી બગાડ સહિત ૨૨.૯૬ કરોડ ડોઝનો વપરાશ થયો છે. દેશમાં ૩૨.૪૨ લાખ સત્રો મારફત કોરોનાની રસીના ૨૩.૧૩ લાખથી વધુ ડોઝ અપાયા છે.