ભારતમાં કોરોનાના દૈનિક કેસો હવે લાખની અંદર જતા રહ્યા છે. ભારતમાં બુધવારે સમાપ્ત થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૨,૫૯૬ કેસો સામે આવ્યા છે. જે સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૨.૯૦ કરોડને પાર પહોંચી ગઇ છે. જે સાથે જ એક્ટિવ કેસો પણ ઘટીને ૧૨ લાખે આવી ગયા છે. જ્યારે ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨૨૧૯ લોકોના મોત નિપજ્યા છે. અને કુલ મૃત્યુઆંક વધીને ૩.૫૩ લાખે પહોંચી ગયો છે.
દેશમાં રીકવરી રેટ હવે વધીને ૯૪.૫૫ ટકાએ પહોંચી ગયો છે. મંગળવારે કોરોનાના ૧૯.૮૫ લાખે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો ૩૭ કરોડે પહોંચી ગયો છે. અત્યાર સુધી કોરોનાને હરાવીને ૨.૭૫ કરોડ લોકો સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર લગભગ કાબુમાં આવી રહી છે.
કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું હતું કે બ્લેક ફંગસમાં મદદરુપ થતા એમ્ફોટેરિસિન-બી ડ્રગના વધારાના ૧.૭ લાખ ઇંજેક્શન રાજ્યોને આપવામાં આવ્યા છે. કર્ણાટકમાં જ ૧૫ ઇંજેક્શન આપવામાં આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે બ્લેક ફંગસે પણ અનેક લોકોને અસર પહોંચાડી છે. બીજી તરફ કોરોનાને કારણે જે પણ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે તેમાં મહારાષ્ટ્રમાં એક લાખ, કર્ણાટકમાં ૩૨૦૯૯, તમિલનાડુમાં ૨૭,૭૬૫ અને દિલ્હીમાં ૨૧ હજાર લોકોના મોત થયા છે.