દેશમા કોરોના વાયરસની વેક્સીન બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દરેક ભારતીયને વેક્સીન આપવાની રણનીતિ તૈયાર કરી રહી છે. વેક્સીનના સ્ટોરેજ, તેની માટે જરૂરી કોલ્ડ ચેઇન સહિત દરેક નાની-મોટી બાબત પર વડાપ્રધાન ઓફિસની નજર છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. લક્ઝમબર્ગની બી.મેડિકલ સિસ્ટમ કંપની ભારતમાં કોરોના વેક્સીનના સ્ટોરેજ માટે કોલ્ડ ચેઇન ફેસિલિટીનું નિર્માણ કરશે. કંપનીના સીઇઓ એલ. પ્રોવોસ્ટે કહ્યુ કે, દેશમાં આગામી વર્ષે માર્ચ સુધી કોલ્ડ સ્ટોરેજ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. તેનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરવાની યોજના બનાવાઇ રહી છે.
નોંધનિય છે કે, કંપનીના સીઇઓ ભારતની મુલાકાતે આવેલા છે. તેમણે કહ્યુ કે, લક્ઝમબર્ગથી ભારતમાં કોલ્ડ ચેઇન ફેસિલિટીની સુવિધા માટે ટેકનોલોજી સ્થાનંતર કરવાની માટે આ વિઝિટ પર આવ્યા છે. ગુજરાત એવા રાજ્યો પૈકીનું એક છે જ્યા અમે તેની માટે એક પ્લાન્ટ સ્થાપવાની માટે સ્થળની શોધખોળ કરી રહ્યા છીએ.
તો કંપનીના ડેપ્યુટી સીઇઓ જે દોશીએ કહ્યુ કે, અમે ભારતમાં તેની કોલ્ડ ચેન ફેસિલિટીનું નિર્માણ કરીશુ અને અમારુ લક્ષ્ય માર્ચ 2021 સુધી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવાનો છે. તેની માટે તેલંગામા અને મહારાષ્ટ્ર રાજ્ય અમારા સંપર્કમાં છે.
ગત 19 નવેમ્બરે ભારત અને લક્ઝમબર્ગની વચ્ચે થયેલ શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, બંને દેશોની વચ્ચે આર્થિક વ્યવહાર વધારવાની ઘણી ક્ષમતાઓ છે. વડાપ્રધાને દુનિયાના આ ત્રીજા સૌથી મોટા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઓ) દેશને નાણાંકીય અને ડિજિટલ ટેકનોલોજીમાં ભાગીદાર વધારવા ભાર મૂક્યો હતો.