ભારતમાં પ્રથમવાર લિથિયમ ખનિજનો ભંડાર મળી આવતા ઇલેક્ટ્રીક વ્હિકલ અને મોબાઇલ ફોનની બેટરી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે
દેશમાં પહેલીવાર લિથિયમનો ભંડાર જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાંથી મળ્યો છે, અહીંથી 59 લાખ ટન લિથિયમ મેટલનો ભંડાર મળી આવતા હવે ઈલેક્ટ્રિક વ્હીકલ અને મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને મોટો ફાયદો થશે.
નવા જમાનામાં હવે ઇલેક્ટ્રિક વ્હિકલના મેન્યુફેક્ચરિંગ મામલે અન્ય દેશો હરણફાળ ભરી રહયા છે ત્યારે હવે ભારતમાં પણ માસ્ટર પ્લાન તૈયાર થઈ શકશે.
મહત્વનું છે કે લિથિયમ ખનિજનો ઉપયોગ ઇલેક્ટ્રિક વ્હીકલ અને મોબાઇલ ફોન જેવા ઉપકરણો માટેની બેટરી બનાવવા માટે થાય છે અને ભારતમાં બેટરી બનાવવા માટે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના જેવા દેશોમાંથી લિથિયમની આયાત કરવામાં આવતી હતી પણ હવે આયાતમાં ઘટાડો થશે.