ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક અને જીવલેણ સાબિત થઇ રહી છે. ભારતમાં એક દિવસ પહેલા રવિવારે રેકોર્ડ બ્રેક 1.03 લાખ કોરોના કેસ નોંધાતા હાહાકાર મચી ગયો હતો. ત્યાર પછીના દિવસે એટલે કે ગત સોમવારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના 96500 નવા પોઝિટિવસ નોંધાયા છે અને 455 દર્દીઓના મોત નિપજ્યા હતા.
દેશભરમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના કેસો લાખ નજીક સામે આવ્યા છે. જેને પગલે પરિસ્થિતિ વધુ કથળી રહી છે. મહારાષ્ટ્ર સહિતના જે રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યાંના મુખ્ય મંત્રીઓ અધિકારીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે વધુ એક ઓનલાઇન બેઠક યોજવા જઇ રહ્યા છે. જેમા કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે વધુ યોગ્ય પગલા લેવા પર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે પણ તેની સામે સાજા થનારાની સંખ્યા એટલી ઝડપથી નથી વધી રહી જે એક ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે.
દેશમાં કોરોના મહામારીની બીજી લહેર શરૂ થઇ ગઇ છે જેને પગલે જ અગાઉની જેમ લાખ જેટલા કેસો સામે આવવા લાગ્યા છે. કેટલાક મેડિકલ નિષ્ણાંતોનો દાવો છે કે હાલ કોરોના મહામારીની બીજી લહેર દેશમાં શરૂ થઇ છે તે ચિંતાજનક સાબિત થઇ શકે છે, કેમ કે નવા કેસો સામે આવી રહ્યા છે તેની સામે નવા સાજા થયેલાની સંખ્યા અગાઉની લહેરમાં જેમ વધતી હતી તેમ નથી વધી રહી. ચેન્નાઇ સિૃથત ઇન્ડિયન મેડિકલ અસોસિએશન કોલેજ ઓફ પ્રેક્ટિશનરના પ્રોફેસર કુટીકુપ્પલા સુર્યા રાવે કહ્યું હતું કે કોરોના મહામારીની બીજી લહેર ભારતમાં ખુબ જ ઝડપથી પ્રસરી રહી છે.