વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા 28 ડિસેમ્બરે દેશની પ્રથમ સંપૂર્ણ ડ્રાઈવરલેસ ટ્રેન ને પ્રસ્થાન કરાવશે. દિલ્હી મેટ્રો નો એક ભાગ એવી ડ્રાઇવર વગર ની આ ટ્રેન 37 કીમી નું અંતર કાપશે, પીએમ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ આ ટ્રેન સંપૂર્ણ રીતે ઑટોમેટિક છે અને માનવીય ભૂલોની સંભાવનાને ખત્મ કરશે.દેશની પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેન દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇન અને પિંક લાઇન પર દોડાવવાની છે. પ્રથમ તબક્કામાં ડ્રાઈવરલેસ ટ્રેન મેજેન્ટા લાઇન પર જનકપુરી પશ્ચિમથી નોઇડા બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશનની વચ્ચે કુલ 37 કિ.મી.ના અંતરે દોડશે. ત્યારબાદ 2021માં પિંક લાઇનમાં 57 કિલોમીટર સુધી ડ્રાઇવરલેસ મેટ્રો ચલાવવાની યોજના છે, જે મજલિસ પાર્કથી શિવવિહાર સુધીનું અંતર કાપશે. આ રીતે કુલ 94 કિલોમીટર સુધી ડ્રાઇવરલેસ ટ્રેનો દોડાવવાની યોજના છે. દિલ્હી મેટ્રોએ ડ્રાઇવરલેસ ટ્રેનને એક મોટી તકનીકી સિદ્ધિ ગણાવી છે. ટ્રેનમાં 6 કોચ હશે. જો કે ડ્રાઇવરલેસ ટ્રેનની મહત્તમ ગતિ પ્રતિ કલાક 95 કિલોમીટર હશે, જ્યારે તે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેની મુસાફરી શરૂ કરશે.
ડ્રાઇવરલેસ ટ્રેનમાં 2,280 મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે છે. આમાં દરેક કોચમાં 380 મુસાફરો મુસાફરી કરી શકે છે. આ સિવાય પીએમ મોદી 28મી ડિસેમ્બરે દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર મુસાફરી માટે નેશનલ કૉમન મોબિલિટી કાર્ડ પણ શરૂ કરશે. ડીએમઆરસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુજ દયાલે કહ્યું કે, ડીએમઆરસી મેટ્રોમાં સ્વચાલિત ટ્રેન સુપરવિઝન સિસ્ટમનો ઉપયોગ કરાશે. ડ્રાઇવરલેસ ટ્રેન કંટ્રોલરૂમથી આપમેળે સંચાલિત કરવામાં આવશે. ડ્રાઇવરલેસ ટ્રેનમાં કેબીન નહીં હોય, કોચની ડિઝાઇન નવી હશે. સૌથી વિશેષ સુવિધા એ ટ્રેનની અંદર અને બહારના અત્યાધુનિક કેમેરા હશે. સેન્સર સાથે જોડાયેલી બ્રેકસ ને લઈ ઈમરજન્સી સમયે તરતજ બ્રેક લાગે તેવી ગોઠવણ કરવામાં આવતા અકસ્માત થશે નહિ .
