નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થાને કોરોના મહામારી અને લોકડાઉનથી કમરતોડ ફટકો પડ્યો છે અને હાલ આ ફટકાથી ફરી બેઠાં થવાની કોશિશ કરી રહ્યુ છે. આજે નાણાં મંત્રાલયે તેના માસીક સમીક્ષા રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે, ભારતીય અર્થતંત્રમાં ‘V’ આકારમાં રિકવરી એટલે કે વૃદ્ધિ જોવા મળી રહ્યો છે.
નાણાં મંત્રાલય દ્વારા આજે ગુરુવારે જારી કરાયેલા માસિક આર્થિક સમીક્ષા રિપોર્ટમાં આ તારણ બહાર આવ્યુ છે. જેમાં જણાવ્યુ છે કે ગત જુલાઇથી સપ્ટેમ્બર ક્વાર્ટરના જીડીપીમાં તેની અગાઉના જૂન ત્રિમાસિકગાળાની તુલનાએ 23 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. ‘V’ શેપમાં વૃદ્ધિનો મતલબ એ છે કે કોઇ અર્થવ્યવસ્થામાં ઝડપી ઘટાડા બાદ ઝડપી સુધારો થવો.
ચાલુ નાણાંકીય વર્ષના જુલાઇથી સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિકગાળામાં દેશના જીડીપી ગ્રોથ એટલે વિકાસદરમાં પાછલા વર્ષની સરખામણીએ 7.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેની પૂર્વે એપ્રિલથી જૂનના ત્રિમાસિકગાળામાં ભારતના આર્થિક વિકાસદરમાં ઐતિહાસિક 23.9 ટકાનો ધબડકો બોલાયો હતો. જેનું મુખ્ય કારણ કોરોના મહામારી અને તેને રોકવ માટે લાગુ કરાયેલુ દેશવ્યાપી લોકડાઉન છે.
રિપોર્ટમાં જણાવ્યુ છે કે, અર્થવ્યવસ્થાને સૌથી વધુ વધુ કૃષિ ક્ષેત્રમાંથી ટેકો મળ્યો છે. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે પણ વૃદ્ધિમાં યોગદાન આપ્યુ છે. સંવેદનશીલ સર્વિસ સેક્ટરે પણ તેમાં યોગદાન આપ્યુ છે જે મુખ્યત્વ લોજિસ્ટિક્સ અને ટેલિકોમ સ્વરૂપમાં છે.
નાણાં મંત્રાલયે તેની નવેમ્બરની આર્થિક માસિક સમીક્ષા રિપોર્ટમાં જણાવ્યુ છે કે, સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં વાર્ષિક તુલનાએ જીડીપી ગ્રોથમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો છે પરંતુ ત્રિમાસિક ધોરણે તેમાં 23 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ 2020-21ના મધ્યમાં ‘V’ આકારની વૃદ્ધિથી ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત થઇ રહી જોવાનું દેખાઇ છે. અર્થવ્યવસ્થાનું માળખું મજબૂત છે અને લોકડાઉન બાદ અર્થતંત્રને ધીમે ધીમે અનલોક કર્યા બાદ વૃદ્ધિ આગળ વધી રહી છે. ઉપરાંત સરકારના આત્મનિર્ભર ભારત મિશનના કારણે પણ અર્થવ્યવસ્થા રિકવરીના પંથે આગળ વધી રહી છે.