હાલ માં રાજકીય મોટા ફેરફાર જ્યાં જોવા મળી રહ્યા છે તેવા મધ્યપ્રદેશમાં કમલનાથ ની કોંગ્રેસની સરકાર સામે બળવો નું શસ્ત્ર ઉગામી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેંમના સમર્થક 22 ધારાસભ્યોએ ધડાધડ રાજીનામા આપ્યા બાદ રાજકીય ઘટનાક્રમ ગરમાયો છે. રાજીનામું આપનારા કોંગ્રેસના 22 ધારાસભ્યો સાથે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ જાહેરમાં આવ્યા બાદ હવે કોંગ્રેસ પણ વળતા કોઈ દાવપેચ ખેલે તે પહેલાં ભાજપ પોતાના ધારાસભ્યોને એકજૂથ કરી રહ્યું છે અને મોડી રાત્રે તેમને ભોપાલથી અન્ય જગ્યા એ ખસેડી લીધા છે તેઓ ને દિલ્હી અથવા ભાજપના ગઢ ગુજરાત માં લાવવામાં આવે એવી શક્યતા જોવાઇ રહી છે. મોડી રાત્રે ધારાસભ્યો ભોપાલ એરપોર્ટ પહોંચ્યા હોવાનું પીછો કરી રહેલા મીડિયાકર્મીઓ એ જણાવ્યું હતું.
મોડી સાંજ સુધીમાં રાજ્યના ભાજપના દરેક ધારાસભ્યોને ભોપાલ પહોંચી જવા તાકિદ કરી દેવામાં આવી હતી. એ મુજબ, કૈલાસ વિજયવર્ગિયના એક નિકટના વ્યક્તિના ફાર્મહાઉસમાં એકઠા થયેલા ધારાસભ્યોને રાત્રે 10 વાગ્યા આસપાસ પ્રાંત ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યા હતાં. ત્યાંથી બે લક્ઝરી બસમાં બેસીને ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાનું કેમેરા માં કેદ થયું હતું.
ધારાસભ્યોને ક્યાં લઈ જવાઈ રહ્યા છે એ વિશે ભાજપના પ્રાંત નેતાઓમાંથી કોઈએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. કેટલાંક ધારાસભ્યોએ હોળી-ધુળેટી મનાવવા જતાં હોવાનું તો કેટલાંકે દિલ્હી એક પૂર્વનિર્ધારિત કાર્યક્રમ માટે જતાં હોવાનું જણાવ્યું હતું.
આમ, મધ્યપ્રદેશમાં રાજકીય માહોલ પરાકાષ્ટા એ પહોંચ્યો છે.
