કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 43મી બેઠક યોજાઇ હતી. લગભગ 7 મહિનાના અંતરે યોજાયેલી આ બેઠકમાં કોવિડ અને બ્લેક ફંગસના પડકારને ધ્યાનમાં રાખી અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાંમંત્રી અને કેન્દ્ર તેમજ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. આ બેઠક બાદ નાણાં પ્રધાને એક પ્રેસ કોન્ફરન્સ આપી કાઉન્સિલના નિર્ણયો વિશે માહિતી આપી હતી.
નાણાંમંત્રી નિર્મલા સીતારામને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કોવિડ -19 ની સારવાર અને સંચાલનમાં જરૂરી નિર્ણાયક ઉપકરણોની ઉપલબ્ધતા વધારવા માટે જીએસટી કાઉન્સિલે શુક્રવારે કોવિડ સંબંધિત ઉપકરણોની આયાત પરની જીએસટી મુક્તિને 31 ઓગસ્ટ 2021 સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
નાણાંમંત્રીએ કહ્યું કે, ‘કોવિડને લગતા ઉપકરણોનો મુદ્દો એ બેઠકનો મુખ્ય એજન્ડા હતો અને તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી. જો કે આ બેઠકમાં અન્ય અનેક મુદ્દાઓ ઊભા થયા હતા અને તેની પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ‘
બ્લેક ફંગસની દવા પર પણ ટેક્સ છૂટ
નાણાં પ્રધાને કહ્યું કે, દેશમાં બ્લેક ફંગસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સિલે તેની સારવારમાં કામમાં આવનારી દવા એંપોટેરિસિન-બીને પણ જીએસટીમાંથી મુક્તિ અપાયેલી વસ્તુઓની સૂચિમાં શામેલ કરાઇ છે. આ સાથે કોવિડ રાહત સામગ્રીઓની આયાત પર IGST છૂટને પણ 31 ઓગસ્ટ 2021 સુધી વધારી દેવામાં આવી છે.
નાણાંમંત્રીએ જણાવ્યું કે, કોરોના સાથે જોડાયેલ અનેક રાહત સામગ્રીઓ પર જીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે અથવા તેની પર પહેલાની તુલનામાં કરના દર પણ ઓછાં કરવામાં આવ્યાં છે. આને લઇને કાઉન્સીલની રેટ ફિટમેન્ટ કમિટીએ ભલામણો કરી હતી કે જેની પર બેઠકમાં ચર્ચા પણ થઇ. આ દરમ્યાન અનેક રાજ્યોના નેતાઓ દ્વારા અલગ-અલગ વિચાર રાખવામાં આવ્યાં. તેની પરના નિર્ણય માટે એક મંત્રી સમૂહની રચના કરવામાં આવી કે જે 10 દિવસની અંદર એટલે કે, 8 જૂન સુધી પોતાનો રિપોર્ટ આપશે. જો કોઇ અન્ય વસ્તુ પર જીએસટીના દરમાં ફેરફાર કરવાનો હશે તો તે કરવામાં આવશે.