મુંબઇઃ મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરની દહેશત વરતાઇ રહી છે. દેશની આર્થિક રાજધાની મુંબઇ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં કોરોના વાયરસના 6 હજાર કરતા પણ વધરે કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે 6112 કેસ નોંધાયા છે. મુંબઇની વાત કરીએ તો ત્યાં 823 કેસ સામેં આવ્યા છે.
75 દિવસ બાદ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં આટલો વધારો
પુણેના અંદર છેલ્લા 24 કલાકમાં 1015 કેસ નોંધાયા છે, જ્યારે 493 લોકો સાજા થયા છે. તો 6 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. ચિંતાજનક વાત એ છે કે છેલ્લા 75 દિવસ બાદ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં આટલો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 51,669 પર પહોંચી છે.
તો આ તરફ મહારાષ્ર્યમાં કોરોના કેસ વધતા કર્ણાટક સરકારે સાવચેતી રુપે બંને રાજ્યની સરહદ પર તપાસ વધારી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને એનસીપીએ પોતાનો જનતા દરબાર બે અઠવાડિયા સુધી સ્થગિત કર્યો છે.
આ સાથે જ મહારાષ્ટ્ર માટે ચિંતાનો વિષય એ પણ છે કે ત્યાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળ્યા છે. અમરાવતી અને યવતમાલ જિલ્લામાં કોરોના વાયરસના સેમ્પલમાં બે નવા મ્યૂટેંટ્સ મળ્યા છે. જે એન્ટિબોડીને બેઅસર કરવામાં સક્ષમ છે. ત્યારે સરકારે આ બંને જિલ્લામાં ફરીથી લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.