મહારાષ્ટ્રમાં કોરોના નો વિસ્ફોટ થતા હવે સરકાર સંપૂર્ણપણે લોકડાઉન લાવે તેવા સંકેત મળી રહ્યા છે.
ઉપમુખ્યમંત્રી અજીત પવારે પુણેમાં પ્રેસ કોન્ફરન્સ માં કહ્યું કે, અમે રાજ્યમાં કોરોનાના વધતા કેસને મોનિટર કરી રહ્યા છીએ. સ્થિતિ પર તા. બીજી એપ્રિલ સુધી રાહ જોઇશું અને જો લોકો કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરશે તો સરકાર પાસે સંપૂર્ણ લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
મુંબઈમાં આજે કોરોનાના 5,504 નવા દર્દીઓ નોંધાયા હતા. મહામારી શરૂ થયા બાદથી આ આંકડો એક જ દિવસમાં નોંધાયેલો સૌથી મોટો આંક છે. જ્યારે, BMCએ લોકોને ચેતવણી આપતા જણાવ્યુ છે કે આગામી દિવસોમાં એક જ દિવસમાં 10 હજાર જેટલા કેસ સામે આવી શકે છે. એવામાં લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે.મહારાષ્ટ્ર માં ગુરુવારે 35,952 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 20,444 સાજા થયા, જ્યારે 111 મૃત્યુ પામ્યા. મહામારીની શરૂઆતથી રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓનો આ આંક અત્યાર સુધીમાં સૌથી મોટો છે. અગાઉ 24 માર્ચે 31,855 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 26.00 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 22.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા, જ્યારે 53,795 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં, અહીં 2.62 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. આમ સરકારે મહારાષ્ટ્ર માં સંપૂર્ણ લોકડાઉન લાવવા વિચારણા શરૂ કરી હોવાનું જણાય રહ્યું છે.
