બૉલીવુડ જગતનું કોરિયોગ્રાફર તરીકે મોટું નામ સરોજ ખાન ની આજે પુણ્યતિથિ છે તેઓએ નાદાન ઉંમરમાં લીધેલા નિર્ણય જીવનમાં કેટલા દર્દનાક બન્યા તેની કહાની ખુબજ કરૂણ છે. જીવનમાં માત્ર 13 વર્ષની નાદાન વયે તેઓ પોતાનાથી 30 વર્ષ મોટા ગુરુજીને કહેવાતા પ્રેમના આકર્ષણ બાદ શરીર સોંપી દીધું અને ત્યારબાદ શરૂ થયેલા સંઘર્ષની કહાની ખુબજ દુઃખ ભરેલી છે.
આજે સરોજ ખાનની પુણ્યતિથિ છે ત્યારે આપણે જોઈશું કે તેઓના જીવનમાં શુ બન્યું હતું.
સરોજ ખાનનો જન્મ 22 નવેમ્બર 1948ના રોજ મુંબઈમાં થયો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું અસલી નામ નિર્મલા નાગપાલ હતું. તેમના પિતાનું નામ કિશનચંદ સાધુ અને માતાનું નામ નોની સાધુ હતું. વિભાજન બાદ સરોજ ખાનનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવી ગયો.
ત્યારે ત્રણ વર્ષની ઉંમરે, સરોજે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તે પહેલીવાર ફિલ્મ ‘નજરાના’માં બેબી શ્યામા તરીકે જોવા મળી હતી.
આ પછી, 50 ના દાયકામાં, સરોજ ખાને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
તેઓ એ કોરિયોગ્રાફર બી.સોહનલાલ પાસેથી ડાન્સની તાલીમ લેવાનું શરૂ કર્યું તે સમયે સરોજ ની ઉંમર 13 વર્ષની હતી અને પોતાના 43 વર્ષના ગુરુ સોહનલાલ સાથે ડાન્સ શીખતા શીખતા તેઓ બન્ને વચ્ચે ઉંમરમાં મોટો તફાવત હોવાછતાં પ્રેમ થઈ ગયો અને 1961માં બી.સોહનલાલ સાથે લગ્ન કર્યા.
જોકે,બી. સોહનલાલ પહેલેથી જ પરિણીત હતા અને ચાર બાળકોના પિતા હતા તે વાત તેઓએ સરોજ ને જણાવી ન હતી.
બીજી તરફ નાદાન સરોજ તેના લગ્ન જીવનમાં ખુશ હતી. માતા બન્યા પછી તેની ખુશીમાં વધુ વધારો થયો, પરંતુ આ ખુશી અચાનક જ ગાયબ થઈ ગઈ. માતા બન્યા બાદ સરોજે સૌથી મોટા સત્યનો સામનો કર્યો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યારે બી. સોહનલાલે સરોજ ખાનથી જન્મેલા તેમના બાળકોને પોતાનું નામ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.
તે વખતે સરોજ ખાનને ખબર પડી કે તેનો પતિ પરિણીત છે, આટલી નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા કે તેઓ પોતે પણ લગ્નનો અર્થ જાણતા ન હતા. તેણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “તે દિવસોમાં હું શાળામાં અભ્યાસ કરતી હતી, પછી એક દિવસ મારા ડાન્સ માસ્ટર સોહનલાલે મારા ગળામાં કાળો દોરો બાંધ્યો અને મારા લગ્ન થઈ ગયા.” તેમ જણાવી દીધું.
પરંતુ, જ્યારે પતિએ બાળકોના નામ રાખવાની ના પાડી, ત્યારે સાચી હકીકત બહાર આવી.
બી. સોહનલાલ અને સરોજ ખાન વચ્ચે અંતર વધતું ગયું અને પછી 1965માં બંને અલગ થઈ ગયા. જણાવી દઈએ કે સરોજ ખાનને સોહનલાલથી ત્રણ બાળકો હતા. જેમાં એક બાળકનું મૃત્યુ થયું હતું. બી. સોહનલાલથી અલગ થયા પછી બાળકોના ઉછેરની જવાબદારી એકલા સરોજ ખાન પર આવી ગઈ.
આ દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જો કે, બાદમાં સરોજ ખાને વર્ષ 1975માં સરદાર રોશન ખાન સાથે બીજી વખત લગ્ન કર્યા અને પોતાનો ધર્મ બદલી નાખ્યો. બંનેને એક પુત્રી સુકૈના ખાન છે. જો કે, એકવાર ઇસ્લામ સ્વીકારવા પર, સરોજ ખાને કહ્યું હતું કે ‘મેં મારી સ્વતંત્ર ઇચ્છાથી ઇસ્લામ અપનાવ્યો હતો. મને ઇસ્લામમાંથી પ્રેરણા મળે છે. મારા પર કોઈ દબાણ નહોતું
1974માં રિલીઝ થયેલી ફિલ્મ ગીતા મેરા નામ સાથે સરોજ એક સ્વતંત્ર કોરિયોગ્રાફર બની હતી. જોકે, તેમના કામને લાંબા સમય બાદ ઓળખ મળી. પાછળથી એક સમય એવો આવ્યો કે ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘નગીના’, ‘ચાંદની’, ‘તેઝાબ’, ‘થાણાદાર’ અને ‘બેટા’ના ગીતોએ ધૂમ મચાવી અને સરોજ ખાનની ગણના બૉલીવુડના મોટા કોરિયોગ્રાફરમાં થવા લાગી. તેણે પોતાના કરિયરમાં બોલિવૂડના દરેક મોટા કલાકારને 3000 થી વધુ ગીતો પર ડાન્સ શીખવ્યો. 1988ની ફિલ્મ તેઝાબના ગીત ‘એક દો તીન…’એ રાતોરાત સરોજનું નસીબ બદલી નાખ્યું. આ પછી માધુરી દીક્ષિત પર ફિલ્માવાયેલી ફિલ્મ ‘બેટા’ના ‘ધક ધક કરને લગા…’ ગીતે પણ સરોજ ખાનને મોટી ઓળખ અપાવી હતી. આ પછી સરોજ ખાને ક્યારેય પાછું વળીને જોયું નથી. 03 જુલાઈ 2020 ના રોજ, સરોજ ખાને આ દુનિયાને હંમેશા માટે અલવિદા કરી દીધું !! આમ બાળ અવસ્થામાં સંસારી જીવનની શરૂઆત અને કેરિયર બનાવવામાં કરેલા સંઘર્ષ તેઓ જીવનભર ભૂલી શક્યા ન હતા.
આમ,નાદાન વયે એવો કોઈ નિર્ણય ન લો કે જે જીવન ખરાબ કરી નાખે તે માટે આ કિસ્સો અન્ય યુવતીઓ માટે આંખ ઉઘાડનારો છે.