મુંબઈ માં ભારે ચકચાર જગાવનાર મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક મળી આવેલા વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો કેસ માં હવે મુખ્ય સૂત્રધાર તરીકે પોલીસ ઓફીસર વઝે જ આરોપી હોવાના પુરાવા હાથ લાગ્યા છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસમાં અત્યાર સુધીમાં જે કંઇપણ સામે આવ્યું છે તેના દ્વારા જાણી શકાયું છે કે આ સમગ્ર કેસનું કાવતરું પોલીસ હેડક્વાર્ટર અને સહાયક પોલીસ નિરીક્ષક (API) સચિન વઝેના થાણે સ્થિત ઘરે રચાયું હતું. પોલીસ હેડક્વાર્ટરમાં સ્કોર્પિયોનો માલિક મનસુખ હિરેનનું પહેલેથી જ આવવા-જવાનું હતું. NIAને અહીંથી એક વીડિયો રેકોર્ડિંગ પણ મળ્યું છે, જેમાં વઝે અને મનસુખ એક જ કારમાં બેસીને જઇ રહેલા જોવા મળે છે.NIAના સૂત્રો અનુસાર, તે વાતના પુરતાં પુરાવા મળ્યા છે કે વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયોને અંબાણીના ઘરની બહાર રાખવાનું કાવતરું સચિન વઝેએ જ ઘડ્યું હતું. 25 ફેબ્રુઆરીની રાત્રે આ કાર મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી. તેમાં જિલેટેનની 20 સ્ટીકો મળી આવી હતી. આ સ્કોર્પિયોની પાછળ જે ઇનોવા કાર સીસીટીવીમાં કેદ થઈ હતી તે ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટ (CIU)ની જ હતી અને તે CIUનો પોલીસકર્મી જ ચલાવી રહ્યો હતો. NIAની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે વઝે જ સ્કોર્પિયો ચલાવીને લઈ ગયો હતો અને પાર્ક કર્યા બાદ તે ઇનોવામાં બેસીને ભાગી છૂટ્યો હતો.
આમ હવે પોલીસ ઓફીસર વઝે આખા મામલા માં મુખ્ય આરોપી હોવાના પુરાવા હાથ લાગતા લોકો માં પોલીસ ઉપર થી ભરોસો ઉઠી રહ્યો છે.
