મુંબઈ બ્લાસ્ટના દોષી પામેલા અને ત્યારબાદ ફાંસી આપવામાં આવી તે યાકુબ મેમનની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય જંગ છેડાઈ ગયો છે. ભાજપનું કહેવું છે કે ઉદ્ધવ સરકારના કાર્યકાળમાં યાકુબની કબર આસપાસ માર્બલ અને LED લાઈટો લગાવવામાં આવી હતી.
ભાજપના નેતા રામ કદમે સોશિયલ મીડિયા પર તસવીરો પણ જાહેર કરતા ભારે હોબાળો મચ્યો હતો અને વિવાદ ઉભો થયા બાદ મુંબઈ પોલીસે કબર પરથી LED હટાવી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1993ના મુંબઈ બોમ્બબ્લાસ્ટનો દોષી યાકુબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. તે વિસ્ફોટોના કાવતરામાં સામેલ હતો. CBIની ચાર્જશીટ મુજબ યાકુબ દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમનના આતંકવાદી સંગઠનનું ફાઈનાન્શિયલ કામકાજ સંભાળતો હતો. 1994માં CBIએ યાકુબની નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરી હતી.
2013માં સુપ્રીમ કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો અને ફાંસીની સજા સંભળાવી હતી, એ બાદ 2015માં નાગપુર જેલમાં યાકુબને ફાંસી આપવામાં આવી હતી.
મુંબઈ બોમ્બવિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતા
12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં 12 ભીડવાળાં સ્થળોએ થયેલા વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની 28 માળની ઈમારતના ભોંયરામાં પણ બ્લાસ્ટ થયો હતો, જેમાં 50 લોકોનાં મોત થયાં હતા
આમ યાકુબ ની કબર આસપાસ માર્બલ અને લાઇટિંગ લગાવતા વિવાદ થયો અને ભાજપે વિરોધ કરતા પોલીસે લાઈટો હઠાવી દીધી હતી.