રાજસ્થાનમાં દરજીની હત્યા બાદ ફાટી નીકળેલા તોફાનો અને બંધના એલાન વચ્ચે હવે મુસલમાન અગ્રણીઓના નિવેદનો પણ સામે આવી રહયા છે તેઓએ ઘટનાની નિંદા કરી છે.
અજમેર શરીફ દરગાહના દિવાન ખાન ની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ કહ્યું કે કોઈ પણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી,
ખાસ કરીને ઈસ્લામમાં તમામ ઉપદેશો શાંતિના સ્ત્રોત તરીકે કામ કરે છે. ખાને કહ્યું કે આરોપીઓ કેટલાક કટ્ટરવાદી જૂથોનો ભાગ છે, જે હિંસા દ્વારા ઉકેલ શોધે છે આ બરાબર નથી તેઓએ ઘટનાની નિંદા કરી હતી.
આ અગાઉ જમીયત ઉલેમા-એ-હિંદના મહાસચિવ મૌલાના હકીમુદ્દીન કાસમીએ પણ હત્યાની ઘટનાની નિંદા કરી હતી. તેઓએ નિવેદનમાં કહ્યું કે જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે તેને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં, આવી ઘટના ધર્મની વિરુદ્ધ છે. આપણા દેશમાં કાયદો વ્યવસ્થા છે, કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી.
મૌલાના હકીમુદ્દીન કાસમીએ દેશના તમામ નાગરિકોને પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવા અને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોતાનો ભાગ ભજવવાની અપીલ કરી હતી.
આમ,મુસલમાન અગ્રણીઓ પણ હવે ઉદયપુરની ઘટનાને વખોડી રહયા છે અને કટ્ટરવાદી કૃત્યની નિંદા કરી છે.