નવી દિલ્હીઃ આર્થિક મંદીની ચેવતણી વચ્ચે દેશમાં મોંઘવારી બેકાબુ બની રહી છે અને તેના પરિણામે લોકોની આવક મર્યાદિત રહેતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ખર્ચ ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. નાણાં મંત્રાલયે આજે જાહેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) વધીને 1.55 ટકાના સ્તરે પહોંચી ગયો છે જે છેલ્લા નવ મહિનાનૌ સૌથી ઉંચો મોંઘવારી દર છે.
સરકારે જણાવ્યુ કે, નવેમ્બર મહિનામાં ફૂડ ઇન્ફ્લેશન ઘટ્યો છે પરંતુ મેન્યુફેક્ચર્ડ પ્રોડ્કટ્સનો મોઘવારી દર વધ્યો છે. નવેમ્બર મહિનામાં ફૂડ ઇન્ફ્લેશન 3.94 ટકા રહ્યો છે જે ઓક્ટોબરમાં 6.37 ટકા નોંધાયો હતો. આ દરમિયાન શાકભાજી અને બટાકાના ભાવમાં અનુક્રમે 12.24 ટકા અને 115.12 ટકાનો વધારો થયો છે. બિન-ખાદ્ય ચીજોના ભાવમાં પણ મોંઘવારી દર 8.43 ટકાના ઉંચા સ્તરે ટકેલો રહ્યો છે. આ દરમિયાન ઇંધણ અને વિજળીમા મોંઘવારી દર -9.87 ટકા રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબર 2020માં જથ્થાબંધ મોંઘવારી દર 1.48 ટકા અને વર્ષ પૂર્વેના નવેમ્બર 2019માં 0.48 ટકા હતો. તો નવેમ્બરનો મોંઘવારી દર એ છેલ્લા નવ મહિનાનો સૌથી ઉંચો ફુગાવો છે. તેની પૂર્વે છેલ્લા ફેબ્રુઆરી 2020માં નોંધાયેલા 2.26 ટકા પછીનો સૌથી ઉંચો મોંઘવારી દર છે.