કોરોનાકાળમાં આવક ઘટવાની સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી લોકોના ખિસ્સા ખાલી થયા છે પરંતુ બીજી બાજુ સરકારની તિજોરીઓ છલકાઇ છે. કારણ કે પેટ્રોલ-ડીઝલ પર લાદેલા વિવિધ ટેક્સથી કેન્દ્ર સરકારને જંગી આવક થઇ રહી છે આ વાતની કબુલાત ખુદ સરકારે કરી છે.
પેટ્રોલ અને ડીઝલના વેચાણથી કેન્દ્ર સરકારને થનારી આવક માર્ચમાં સમાપ્ત થયેલા વર્ષમાં 88 ટકા વધીને 3.35 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઇ છે. સરકારે આ દરમિયાન એક્સાઇઝ ડ્યુટીમાં પણ રેકોર્ડ વધારો કર્યો છે. આ માહિતી સરકાર દ્વારા જ સોમવારે લોકસભામાં આપવામાં આવી છે.
સરકારે લોકસભામાં જણાવ્યું કે પેટ્રોલના વેચાણ પર એક્સાઇઝ ડ્યૂટી ગત વર્ષ 19.98 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 32.9 રૂપિયા કરવામાં આવી છે. ક્રૂડના ઇન્ટરનેશન ભાવમાં ભારે ઘટાડો અને મહામારીના કારણે ફ્યૂલની ડિમાન્ડ ઘણી ઓછી થવાથી તેના પરના ટેક્સ કલેકશનમાં ઘટાડાથી બચવા માટે એક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી હતી.
લોકસભામાં એક લેખિત જવાબમાં પેટ્રોલિયમ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું કે ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીને 15.83 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 31.8 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. જેનાથી પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ કલેકશન વધીને આશરે 3.35 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. જે અગાઉ 1.78 લાખ કરોડ હતું.
એક અન્ય પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે ચાલુ વર્ષે એપ્રિલથી જુનમાં એક્સાઇઝ ડ્યુટીથી થનારી આવક 1.01 લાખ કરોડ રૂપિયા રહી છે. જેમાં તમામ ઈંધણ સામેલ છે. તેલીએ કહ્યું કે ગત નાણાકીય વર્ષમાં કુલ એક્સાઇઝ ક્લેકશન 3.89 લાખ કરોડ રૂપિયા રહ્યું.