નવી દિલ્હીઃ નાણાંપ્રધાન નિર્મલા સિતારમને ગુરુવારે ઉદ્યોગ જગતને ખાતરી આપી કે સરકાર આર્થિક વિકાસને વેગ આપવા માટે આવશ્યક તમામ પગલાંઓ લા તૈયાર છે. સીતારમને સીઆઇઆઇની વાર્ષિક બેઠકને સંબોધતા કહ્યુ કે, કોવિડ-19 મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા પ્રતિબંધો – લોકડાઉન દૂર કર્યા બાદ અર્થવ્યવસ્થામાં ઝડપી તેજી અને રિકવરીના સંકત છે.
તેમણે કહ્યુ કે, ચાલુ નાણાંકીયવર્ષમાં અત્યાર સુધી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં 37 ટકાનો વધારો થયો છે. તો વિદેશી હૂંડિયામણ ભંડોળ જુલાઇમાં વધીને 620 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયુ છે. તેમણે ઉમેર્યુ કે, નરેન્દ્ર મોદી સરકાર રિફોર્મ્સને લઇને પ્રતિબદ્ધ છે. અહીંયા સુધી કે મહામારી દરમિયાન પણ સરકારે રિફોર્મ્સને આગળ વધાર્યુ છે. પાછલા વર્ષે કેન્દ્ર સરકારે કૃષિ કાયદા અને શ્રમ સુધારણાને આગળ વધાર્યા છે.
આ કંપનીઓનું થશે ખાનગીકરણ
તેમણે ઉદ્યોગજગતને આગળ આવવા અને અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ કરવા આહ્વાન કર્યુ છે. નાણાં પ્રધાને કહ્યુ કે, સરકાર ચાલુ નાણાંકીય વર્ષમાં 1.75 લાખ કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. એર ઇન્ડિયા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, બીઇએમએલ, શિપિંગકોર્પોરેશન અને કન્ટેનર કોર્પોરેશનના ખાનગીકરણની પ્રક્રિયા ચાલુ નાણાંકીય વર્ષે પૂર્ણ કરી લેવામાં આવશે. કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે સરકાર રિઝર્વ બેન્કની સાથે મળીને કામગીરી કરી રહી છે.